જામનગરના સુમેર ક્લબ રોડ પર એસ.ટી. ડેપો પાસે આવેલી હોટલ સુમુખના રૂમ નંબર 108માંથી SOGની ટીમે હેરોઈનના જથ્થા સાથે પંજાબના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ₹ 1,92,200 ની કિંમતનું 9.61 ગ્રામ હેરોઈન, બે મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ₹ 2,15,920 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં પંજાબના અમૃતસર જિલ્લાના ભીંડર ખાતે આવેલા રતનગ્રહના રહેવાસી લવપ્રીતસિંઘ અને હરપ્રીતસિંઘનો સમાવેશ થાય છે.
પોલીસના ખાસ અભિયાન હેઠળ બાતમીના આધારે દરોડો આ સમગ્ર કાર્યવાહી જામનગર પોલીસના “No Drugs In Jamnagar” અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી. રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય, જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભાની સૂચનાથી SOGના PI વી.જે. રાઠોડ અને PSI એલ.એમ. ઝેરના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન કોન્સ્ટેબલ બળભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને મયુરરાજસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળતા હોટલના રૂમમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

