Gujarat

ભાવનગરમાં નકલી દારૂકાંડનો મૃત્યુઆંક ૧૩ પર પહોંચ્યો

ભાવનગરના ચકચારી નકલી દારૂકાંડમાં મોતનો આંકડો વધો છે જે ખુબજ દુ:ખની વાત છે જેમાં ૨૩મી ઓગસ્ટ રવિવારે વધુ બે લોકોના મોત નીપજતા સમગ્ર દારૂકાંડમાં મૃત્યુઆંક વધીને ૧૩ પર પહોંચી ગયો છે. રવિવારે દમ તોડનારાઓમાં મૂળ મહીસાગરના મુકેશ ડામોર અને ભાવનગરના કાળિયાબીડ વિસ્તારના સાગવાડી ખાતે રહેતા ભાર્ગવ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે.

આ મામલે મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મુકેશ ડામોર ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો, જ્યાં તેની તબિયત વધુ લથડતા આઈસીયુમાં ખસેડાયો હતો, પરંતુ તે જિંદગી સામેની જંગ હારી ગયો હતો. જ્યારે ખાનગી બેન્કમાં ફરજ બજાવતા ભાર્ગવ ઉપાધ્યાયનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ પૂર્વે ૨૨મી ઓગસ્ટે ભાવનગરથી સુરત સારવાર અર્થે લઈ જવાયેલા બ્રેઈનડેડ સંજયસિંહ ડોડિયા સહિત ત્રણ લોકોના પણ મોત થયા હતા.

ભાવનગરમાં થયેલ નકલી દારૂકાંડની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં કુલ ૬૧ જેટલા લોકોની તબીયત લથડી છે. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી ૧૦ લોકોની સ્થિતિ અત્યંત નાજુક અને ગંભીર જણાવવામાં આવી રહી છે, જેને પગલે તબીબોની ટીમ દ્વારા તેમના પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

આ ચકચારી ઘટનાને પગલે સાયબર અને સ્થાનિક પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. આ સમગ્ર કાંડમાં પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત કુલ ૨૧ લોકો સામે નામજાેગ ગુનો નોંધ્યો છે. જેમાંથી અત્યાર સુધીમાં ૧૩ જેટલા મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને બાકીના ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસ ધમધમાવવામાં આવી રહી છે.

એસએમસીની ટીમે નકલી દારૂકાંડના મુખ્ય આરોપી ‘રઈશ’ને પોલીસ બંદોબસ્ત વચ્ચે ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના ૩૧મી ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ, એસએમસી દ્વારા કરવામાં આવનાર તીક્ષ્ણ તપાસમાં આ ઝેરી દારૂ ક્યાંથી આવ્યો, કોના છત્રછાયા હેઠળ આ કાળો કારોબાર ફાલ્યો-ફૂલ્યો અને આ નકલી દારૂકાંડ પાછળ બીજા કયા મોટા માથાંઓ સંકળાયેલા છે તેવા અનેક ચોંકાવનારા ઘટસ્ફોટઓ થવાની પૂર્ણ શક્યતાઓ સેવાઈ રહી છે.

પીવાના દારૂમાં મુખ્ય આલ્કોહોલ હોય છે. તેના બદલે અથવા તેની સાથે મિથેનોલ જેવા અયોગ્ય ઔદ્યોગિક આલ્કોહોલનો ઉપયોગ થાય ત્યારે જાેખમ જીવલેણ બની શકે છે. મિથેનોલ શરીરમાં ગયા પછી એવા ઝેરી પદાર્થમાં પરિવર્તિત થાય છે જે ખાસ કરીને આંખ, મગજને ગંભીર રીતે અસર કરી શકે છે. પરિણામે દ્રષ્ટિ ગુમાવવાથી લઈને કોમા અને મૃત્યુ સુધીની સ્થિતિ ઊભી થઈ શકે છે. ૨૦૨૨ના બોટાદ-ધંધુકા વિસ્તારમાં બનેલી ઘટના ગુજરાતના ઈતિહાસની સૌથી ભયાનક લઠ્ઠા કાંડની ઘટનાઓમાંની એક બની. જેમાં લોકોને દારૂ હોવાનું માનીને પીવડાવવામાં આવેલા પ્રવાહીમાં ૯૮.૭૧થી ૯૮.૯૯ ટકા સુધી મિથેનોલ હોવાનું સામે આવ્યું હતું.