જામનગર શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા દીપક ટોકીઝથી ચાંદી બજાર પોસ્ટ ઓફિસ સુધીના માર્ગ પર આગામી તા. 15 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી CC રોડ બનાવવાનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. જોકે, આ નિર્ણય સામે રતનબાઈ મસ્જિદ સર્કલ વિસ્તારના વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને કોર્પોરેટરને લેખિત રજૂઆત કરી આ કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખવા અને માત્ર પેચવર્ક કરવા માંગ કરી છે.
ચાલુ વર્ષે દુષ્કાળ જેવી સ્થિતિ અને બજારમાં મંદીના માહોલને કારણે વેપારીઓ પહેલેથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. જો આ સમયે મુખ્ય માર્ગ બંધ કરવામાં આવે તો વેપાર-ધંધા ઠપ્પ થઈ જશે. આ માર્ગ પર પોસ્ટ ઓફિસ, બે મોટાં ધાર્મિક સ્થળો, રહેણાંક વિસ્તાર તેમજ અનાજ બજાર સહિતની ચીજવસ્તુઓની હેરફેર થતી હોવાથી હજારો લોકોની અવરજવર રહે છે.
વધુમાં, તંત્ર દ્વારા સૂચવાયેલા વૈકલ્પિક રસ્તાઓ પર પહેલેથી જ ટ્રાફિક જામ રહે છે, જેથી આ રસ્તો બંધ થતાં સમગ્ર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વકરશે. છેલ્લા બે વર્ષના વિકાસકામો સમયમર્યાદામાં પૂર્ણ ન થયા હોવાનો ઉલ્લેખ કરી વેપારીઓએ માંગ કરી છે કે, અંતિમ નિર્ણય લેતા પહેલાં પદાધિકારીઓ સ્થળની રૂબરૂ મુલાકાત લે અને હાલ પૂરતું માઇનર પેચવર્ક કરી રસ્તો સમતળ બનાવે.

