International

યુક્રેન પર રશિયાનો વધુ એક હુમલો, ૯ના મોત

વહેલી સવારે રશિયાએ યુક્રેનના મુખ્ય શહેરો કિવ, નિપ્રો અને ખાર્કિવ પર મિસાઈલ અને ડ્રોન દ્વારા મોટા પાયે હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં અત્યાર સુધીમાં ૯ લોકોના મોત થયાના અને ૬૦ થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે.

નિપ્રોમાં ૫ના મોત

દક્ષિણ-પૂર્વના આ શહેરમાં રશિયન હુમલામાં ૫ લોકોના મોત થયા છે અને ૨૫ લોકો ઘાયલ થયા છે. અહીં રહેણાંક મકાનો અને બાળકોના પ્લે-ગ્રાઉન્ડને ભારે નુકસાન થયું છે.

યુક્રેનના પાટનગર કિવમાં ૪ લોકોના મોત થયા છે અને ૫૧ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મિસાઈલ હુમલાને કારણે ૨૪ માળની બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે, જેમાં લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. કિવના ઓબોલોન જિલ્લામાં પણ મિસાઈલના કાટમાળ પડવાથી ગાડીઓ સળગી ગઈ છે.

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ અગાઉ જ મોટા હુમલાની ચેતવણી આપી હતી. રશિયાએ ગયા અઠવાડિયે જ યુક્રેનની સૈન્ય અને મહત્વની જગ્યાઓને નિશાન બનાવવાની ધમકી આપી હતી. બીજી તરફ, રશિયાના ક્રાસ્નોદાર વિસ્તારમાં આવેલી ઇલસ્કી ઓઇલ રિફાઇનરી પર પણ ડ્રોન હુમલો થયો હોવાના અહેવાલ છે, જે યુદ્ધની વધતી જતી તીવ્રતા દર્શાવે છે.