National

પશ્ચિમ સિક્કિમમાં ભૂસ્ખલન; ૩૦ મકાનોને નુકસાન, અનેક રસ્તાઓ પણ બંધ

અધિકારીઓએ જણાવ્યું હતું કે પશ્ચિમ સિક્કિમના રિમ્બી ગામમાં ગુરુવારે મોડી રાત્રે ભૂસ્ખલન થવાથી ઓછામાં ઓછા ૩૦ મકાનો અને સરકારી ક્વાર્ટર્સને નુકસાન થયું હતું; જાેકે, કોઈ જાનહાનિના અહેવાલ નથી.

સિક્કિમના મુખ્યમંત્રી પી.એસ. તમાંગ-ગોલેએ ચિંતા વ્યક્ત કરી હતી અને રાજ્ય વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપી હતી.

ગોલેએ સોશિયલ મીડિયા પર કહ્યું, “ગઈકાલે રાત્રે થયેલા ગંભીર ભૂસ્ખલનને પગલે ગ્યાલશિંગ જિલ્લાના રિમ્બીમાં સર્જાયેલી પરિસ્થિતિને લઈને હું ખૂબ જ દુ:ખી અને ચિંતિત છું. પરિસ્થિતિ ગંભીર છે અને લોકોની સુરક્ષા તથા સુખાકારી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.”

ભૂસ્ખલન પહેલાં જ જિલ્લા વહીવટીતંત્રે રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડી લીધા હતા. આ ભૂસ્ખલનને કારણે જિલ્લા મુખ્યાલય ગ્યાલશિંગ અને યુક્સોમને જાેડતો રસ્તો બંધ થઈ ગયો છે.

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના તકદાહ ખાતે આવેલી એક ગ્રામીણ હોસ્પિટલ પણ ગુરુવારે રાત્રે ભૂસ્ખલનની ઝપેટમાં આવી હતી, જેમાં એક દર્દી ઘાયલ થયો હતો.

આ સમાચાર લખાયા ત્યાં સુધીમાં ઉત્તર બંગાળની વિવિધ નદીઓમાં પાણીનું સ્તર વધવા અને નાના પાયે ભૂસ્ખલન થવાના અહેવાલો મળ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પશ્ચિમ સિક્કિમના રિમ્બી-સિંગલિટમ વિસ્તારમાં ૬ સપ્ટેમ્બરથી અનેક વખત ભૂસ્ખલન થયું છે. અગાઉ બે મકાનોને આંશિક નુકસાન થયું હતું.

૧ જૂનની સાંજે ઉત્તર સિક્કિમમાં લાચેન નજીક આવેલા ચાતેન ખાતેના આર્મી કેમ્પ પર ભૂસ્ખલન થવાથી લેફ્ટનન્ટ કર્નલ અને તેમના પરિવાર સહિત ઓછામાં ઓછા છ લોકો ગુમ થયા હતા. દુર્ઘટના બાદ તરત જ એક પોર્ટર અને બે આર્મી જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા.

સિક્કિમમાં શુક્રવારે સવારે ઉત્તરના યુમથાંગ અને પૂર્વના નાથુલામાં આ સિઝનનો પ્રથમ હિમપાત થયો હતો.