National

૨૦૨૪ બેચના IASઅધિકારીઓએ રાષ્ટ્રપતિની મુલાકાત લીધી

વિવિધ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં હાલમાં આસિસ્ટન્ટ સેક્રેટરી (સહાયક સચિવ) તરીકે સેવા આપી રહેલા ૨૦૨૪ બેચના IAS અધિકારીઓના એક જૂથે આજે (૨૦ મે, ૨૦૨૬) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની મુલાકાત લીધી હતી.

IAS અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય સેવાઓએ, ખાસ કરીને IAS એ આપણા દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હવે જ્યારે દેશ વિકાસની ઉચ્ચ ભ્રમણકક્ષામાં (ઓર્બિટમાં) પ્રવેશી ચૂક્યો છે, ત્યારે અધિકારીઓ પાસેથી અપેક્ષાઓ પણ વધારે છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે યુવા અધિકારીઓને વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાની અનન્ય તક મળશે. અનેક અવસરો પર તેઓ ચોક્કસ વિશિષ્ટ ક્ષેત્રોના નિષ્ણાતોની ટીમોનું નેતૃત્વ કરી રહ્યા હશે. તેથી, તેમના શીખવાનો વ્યાપ અને ગતિ ખૂબ જ વ્યાપક અને ઝડપી હોવી જાેઈએ. તેમણે રેખાંકિત કર્યું કે જુદા-જુદા ક્ષેત્રો અને પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સાધવાની તેમની ક્ષમતા અસાધારણ હોવી જાેઈએ.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે અધિકારીઓની તટસ્થતા તેમની ન્યાયીપણાંની સૂચક હશે. તેમની સંવેદનશીલતા એ સમાવેશીતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું માપદંડ હશે. તેમની વિશ્વસનીયતા તેમની પારદર્શિતા અને સતત કામગીરી પર નિર્માણ પામશે. તેમની પ્રામાણિકતા, જે તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક આચરણ દ્વારા વ્યાખ્યાયિત થાય છે, તે તેમને જાહેર હિતમાં નિર્ણાયક રીતે કાર્ય કરવાનું નૈતિક સાહસ આપશે. તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓએ તર્કસંગતતા સાથે કરુણાનું મિશ્રણ કરવું પડશે. તેમણે ભાવુક થયા વિના સંવેદનશીલ બનવું પડશે. તેમણે નિયમોનું પાલન કરવું પડશે પરંતુ મોટા ઉદ્દેશ્યોને નજરઅંદાજ કરવાના નથી.

રાષ્ટ્રપતિએ કહ્યું કે નૈતિકતા અને શાસન એ એક જ સિક્કાની બે બાજુઓ છે. તેમણે રેખાંકિત કર્યું કે અધિકારીઓએ પ્રામાણિક અને નૈતિક બનવું પડશે. આ સાથે જ તેમણે પરિણામો પણ આપવાના રહેશે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ર્નિણય લેવાનું ટાળવું એ નૈતિકતા નથી. તેના બદલે, જાહેર હિત અને સ્થાપિત વ્યવસ્થાને અનુરૂપ યોગ્ય ર્નિણયો લેવા એ જ નૈતિકતાનો સાચો સાર દર્શાવે છે. જેવી રીતે ન્યાય મળવામાં વિલંબ એ ન્યાયના ઇનકાર સમાન ગણાય છે, તેવી જ રીતે વહીવટી ર્નિણય લેવામાં વિલંબ એ લોકોને તેમના કાયદેસરના હિતોથી વંચિત રાખવા સમાન છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે લોકશાહીનો ઉદ્દેશ્ય તેના લોકોની આકાંક્ષાઓને સાકાર કરવાનો છે. આ આકાંક્ષાઓ તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. તેથી, જાહેર હિતમાં આ પ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને પ્રાથમિકતા આપવી એ અધિકારીઓની ફરજ છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે વહેતા પ્રવાહની સાથે વહી જવા માટે કોઈ પ્રયાસની જરૂર હોતી નથી. ‘વિકસિત ભારત‘ ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અને આપણા સમાજને પ્રગતિના શિખરે પહોંચાડવા માટે, અધિકારીઓએ ઘણીવાર પ્રવાહની સામે લડીને આગળ વધવું પડશે. તેમણે તેઓને સલાહ આપી કે તેઓ ભારતના લોકોને, ખાસ કરીને સમાજના વંચિત વર્ગોને, તેમના વિચારો અને કાર્યોના કેન્દ્રમાં રાખે, પછી ભલે તેઓ ક્ષેત્રમાં (ફીલ્ડમાં) હોય કે ઓફિસમાં કામ કરતા હોય. તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ એક વિકસિત અને સમાવેશી ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપશે.