સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આમ તો સાવરકુંડલા રક્તદાન ક્ષેત્રે હમેશાં અગ્રેસર રહે છે. સાવરકુંડલા શહેરમાં બ્લડ બેંક અહીંની સરકારી હોસ્પિટલમાં મંજૂર થઈ છે. પરંતુ હજુ શરૂ નથી થઈ અહી સાવરકુંડલાની સરકારી હોસ્પિટલમાં એમ તો બ્લડ બેંક સંબંધિત સાધનો આવી ચુક્યા છે. બ્લડ બેંકને અનુલક્ષીને બાંધકામ પણ પૂર્ણ થઈ ગયેલ છે. એને માટેની લાયસન્સની પ્રક્રિયાઓ પ્રગતિમાં છે. જો કે રક્ત એટલે ઈમરજન્સી માટે આવશ્યક હોય છે. ક્યારેક વધુ પડતાં રક્ત વહેવાને કારણ કે કોઈ અકસ્માત કે અન્ય દુર્ઘટના સમયે યુધ્ધના ધોરણે રક્તની ઉપલબ્ધતા માનવ જિંદગી બચાવી શકે છે એટલે સરળતાથી અને સમયસર રક્તની પ્રાપ્તિ થાય એ પણ મેડિકલ સાયન્સ માટે મહત્વનું હોય છે. સાવરકુંડલા શહેરના શહેરીજનો પણ હવે ઈચ્છે છે કે વહેલામાં વહેલી તકે સાવરકુંડલા વિસ્તારનાં લોકોને બ્લડ બેંકની સુવિધા પ્રાપ્ત થાય તો અમરેલી કે અન્ય દૂર રક્ત માટે ભટકવું ન પડે. તંત્રે પણ આ બાબતની ગંભીરતા સમજી યુધ્ધના ધોરણે બ્લડ બેંકની સુવિધા વહેલી તકે કાર્યરત થાય તેવા ઝડપી પ્રયાસો કરવા જોઇએ. અને સત્તાધીશો દ્વારા સતત ફોલોઅપ લઈને બ્લડ બેંક કાર્યરત થાય એ દિશામાં ઝડપી પ્રયાસો આદરવા જોઈએ. જો કે હાલ ચૂંટણીનો માહોલ હોય તંત્ર પણ ચૂંટણી સાંગોપાંગ પૂર્ણ થાય એ માટે પ્રયત્નશીલ હોય અને રાજકીય નેતાગણ પણ ચૂંટણી પ્રચારની વ્યસ્તતામાં હોય એ સ્વાભાવિક છે. પરંતુ તેમાંથી સમય કાઢીને આ સંદર્ભે ઘટતું કરે એવી આમજનતાની માંગ છે. કહતે હૈ ને કી લહૂઁ કો લહૂઁ હી પુકારેગા..
