સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેર છેલ્લા ઘણા સમયથી સીએનજી પંપથી વંચિત છે. અહીંના સીએનજી વાહનચાલકોને પોતાના સીએનજી સંચાલિત વાહનો માટે સીએનજી ગેસ પૂરાવવા માટે સાવરકુંડલાથી ત્રીસ કિલોમીટરથી વધુ દૂર જવું પડે છે. આમ તો સાવરકુંડલા શહેર એક લાખથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. અને સાવરકુંડલા શહેરમાં અનેક સીએનજી ફ્યુઅલ સંચાલિત વાહનધારકો છે. છેલ્લા ઘણા સમયથી લોકો સીએનજી પંપ માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી સીએનજી પંપની સુવિધા ઉપલબ્ધ થાય તેવાં કોઈ આસાર જોવા મળતાં નથી. દિનપ્રતિદિન પેટ્રોલના વધતાં ભાવોથી બચવા માટે લોકો સીએનજી સંચાલિત વાહનો ખરીદે છે. પરંતુ મને કમને પેટ્રોલ જેવાં ઈંધણનો ઉપયોગ કરતાં જોવા મળે છે. સાવરકુંડલા શહેરને વહેલી તકે સીએનજી પંપની સુવિધા ઉપલબ્ધ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. આ સંદર્ભે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણીએ સીએનજી વાહન સંદર્ભે તેમની વ્યથા જણાવતાં કહ્યું હતું કે સાવરકુંડલા શહેરમાં સીએનજી પંપ ન હોવાથી શેલણા, ખાંભા, અમરેલી કે બગસરા જ્યાં પણ જઈએ ત્યાં ત્રીસ કિલોમીટરથી વધુ અંતર થાય છે. અને સીએનજી ફ્યુઅલ પોતાના વાહનમાં પુરાવવવા માટે પંપ અન્ય શહેરોમાં હોય વધુ ખર્ચ થાય છે. અહીંથી ઘણા રીક્ષા ચાલકોને પોતાની રીક્ષામાં સીએનજી ગેસ પુરાવવા માટે છેક અમરેલી સુધી જવું પડે છે. સાવરકુંડલા શહેરથી નાના ગામોમાં પણ સીએનજી પંપની સુવિધા ઉપલબ્ધ હોય ત્યારે સાવરકુંડલા આટલા મોટા શહેરોમાં સીએનજી પંપ ન હોય તેનાથી મોટી કરૂણતા શી હોય શકે? આમ પણ સીએનજી ગેસની વધુ વપરાશથી મોંઘાદાટ પેટ્રોલની ખપત ઓછી થાય એટલે પરોક્ષ રીતે દેશનું વિદેશી હૂંડિયામણ પણ દેશની બહાર જતું અટકે. એટલે વિદેશી હૂંડિયામણની બચત પણ થઈ શકે અને પર્યાવરણ પણ ઓછું પ્રદુષિત થવાની સંભાવના રહે.
