રાજપીપળા
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના નાની સિંગલોટી ગામે તરાવ નદીના પાણીમાં પથ્થર અને ઘાસથી દાટી દેવામાં આવેલો નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના નાની સીંગલોટી ગામની સીમમાં આવેલ તરાવ નદીના કિનારે એક તાજુ જન્મેલું બાળક મૃત હાલતમાં મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. શેર માટીનો ખાડો પુરવા માટે દંપતિઓ મંદિરો અને મસ્જિદોના પગથિયા ઘસી નાખતાં હોય છે તો કેટલાક નવજાત શિશુઓને ત્યજી દેતાં હોય છે. થોડા મહિનાઓ પહેલાં ભરૂચના જુના સરદાર બ્રિજની નીચેથી વિમલના થેલામાંથી જીવત હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. આ બાળકીના હોઠ ફાટેલા હોવાથી તેને ત્યજી દેવામાં આવી હતી. આ બાળકીના માતાપિતાનો હજી સુધી કોઇ પત્તો લાગ્યો નથી. તેવામાં આવો જ કિસ્સો દેડીયાપાડાના નાની સિંગલોટી ગામે પ્રકાશમાં આવ્યો છે. ગામના ચોકીમાલી ફળિયામાં રહેતાં મુળજી વસાવા તરાવ નદીના કીનારા વિસ્તારમાં હતાં તે સમયે નદીના પાણીમાં ઘાસ અને પથ્થરોથી ઢાંકી દેવાયેલો નવજાત શિશુનો મૃતદેહ જાેવા મળ્યો હતો. તેમણે બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પ્રાથમિક તબકકે બાળક તાજુ જન્મેલું હોવાનું જાણવા મળ્યું હતું. કોઇ નિષ્ઠુર જનેતાએ પોતાનું પાપ છુપાવવા માટે શિશુને વેરાન જગ્યાએ ત્યજી દીધું હોવાનું લાગી રહયું છે. પોલીસે નવજાત શિશુને ત્યજી દેનારા કોણ છે તે શોધવા માટે તપાસ હાથ ધરી છે. થોડા દિવસ પહેલા જ ડેડીયાપાડા સંભુનગર નજીક ચોકડી પાસેથી એક નવજાત બાળક મળી આવ્યું હતું.


