ભાવનગર , તા.૨૯
ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ દરમ્યાન કડાકા ભડાકા સાથે અનેક જગ્યાઓ પર વીજળી પડવાની ઘટના બની હતી. તો સાથે ભારે પવનના કારણે અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જિલ્લાના અનેક તાલુકાઓમાં હજુ પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. પરંતુ સારી વાત એ પણ છે કે શહેર અને જિલ્લામાં વરસાદ દરમ્યાન જાનહાનિનો એક પણ બનાવ બનવા પામ્યો નથી.સમગ્ર સૌરાષ્ટ્ર પંથક સાથે ભાવનગર જિલ્લામાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ માટેની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ગત મોડી રાત્રિથી ધોધમાર વરસાદ ની આગમન થયું હતું, વીજળીના કડાકા ભડાકા સાથે ૩ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે મહુવામાં ૩ ઇંચ તેમજ જિલ્લાના વલભીપુર, જેસર અને શિહોર પંથકમાં ૧.૫ ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉમરાળા, ગારિયાધાર, પાલીતાણા અને તળાજા તાલુકાના પંથકમાં પણ ૧ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે.
