અમદાવાદ
દસક્રોઇ તાલુકાના વસ્ત્રાલ ખાતેના મહેસુલ ભવન, કલેક્ટર કચેરી સહિતની કચેરીઓમાં અરજદારો ચૂંટણીકાર્ડ માટે ધક્કા ખાઇ રહ્યાં છે. ચૂંટણીકાર્ડ ન હોવાથી અરજદારો હાલાંકી ભોગવી રહ્યાં છે. ગત વર્ષે મતદારોની યાદી ઓનલાઇન પ્રસિદ્ધ થઇ હતી. જ્યારે ચાલુ વર્ષે આ યાદી આજે નવ માસ બાદ પણ પ્રસિદ્ધ ન થતા લોકો ચૂંટણીકાર્ડ માટે પરેશાન થઇ રહ્યાં છે. આયુષ્યમાન કાર્ડ કઢાવવા હોય, એફિડેવિટ કરવી હોય, આવકનો દાખલો કાઢવો હોય , પુરાવા રૂપે ચૂંટણીકાર્ડ ક્યાંક રજૂ કરવાનું હોય આ સ્થિતિમાં હાથ પર ચૂંટણીકાર્ડ જ ન હોવાથી અરજદારોના કામો અટવાઇ રહ્યાં છે. અરજદારોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે મતદારોની સુધારેલી યાદી તાત્કાલિક ધોરણે ઓનલાઇન પ્રસિદ્ધ કરવામાં આવે કે જેથી કરીને તેઓ ચૂંટણીકાર્ડ કઢાવી શકે.અમદાવાદમાં નવા ચૂંટણીકાર્ડ માટે છેલ્લાં નવ માસથી અરજદારો ધક્કા ખાઇ રહ્યાં છે. નવા ચૂંટણીકાર્ડ માટે અરજી કરી હોય, સુધારા-વધારા કરાવ્યા હોય , ચૂંટણીકાર્ડ ખોવાઇ જવા સહિતના કિસ્સામાં અરજદારોએ અરજીઓ કરી છે પરંતુ નવી મતદારયાદી ઓનલાઇન ચઢાવાઇ ન હોવાથી ચૂંટણીકાર્ડ નીકળી રહ્યાં ન હોવાનું જાણવા મળે છે. કલેક્ટર કચેરી, મહેસુલ ભવન, મામલતદાર કચેરીઓમાં અરજદારો ધક્કા ખાઇ રહ્યાં છે પરંતુ તેઓને સ્માર્ટકાર્ડ પ્રકારનું ચૂંટણીકાર્ડ મળી રહ્યું નથી. આ અંગે અરજદારોના જણાવ્યા મુજબ તેઓએ જાન્યુઆરી માસમાં નવા ચૂંટણીકાર્ડ માટે અરજી કરી હતી, ફોર્મ સ્વીકારાઇ ગયા, ચૂંટણીકાર્ડના નંબરની ફાળવણી પણ થઇ ગઇ પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી યાદી ઓનલાઇન પ્રસિદ્ધ કરવામાં આવી ન હોવાથી ચૂંટણીકાર્ડ નીકળી રહ્યાં નથી. લોકોના ઘરે પણ ચૂંટણીકાર્ડ આવી રહ્યાં નથી.
