Gujarat

સાવરકુંડલા બ્રહ્મસમાજના વિષ્ણુભાઈ ભરાડ એટલે હૈયા ઉકલત અને કોઠાસૂઝનું બેનમૂન ઉદાહરણ. આજે રસ્તા વચ્ચે જ પત્રકાર બિપીનભાઈ પાંધી સાથે એ આધુનિક લાઈવ સ્ટીમ ઢોકળાની હરતી મોબાઇલ શોપ સાથે વિષ્ણુભાઈ ભરાડની મુલાકાત થઈ. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
માણસ ભણેલ કરતાં ગણેલ હોય તે પોતાની હૈયાઉકલત અને કોઠાસૂઝ દ્વારા અનેક અવનવા પ્રયોગો કરી શકે છે. જેનું સચોટ ઉદાહરણ એટલે સાવરકુંડલા બ્રહ્મ સમાજના વિષ્ણુભાઈ ભરાડ. આ અગાઉ પણ સાવરકુંડલા બ્રહ્મ સમાજના વિષ્ણુભાઈ ભરાડે પોતાનાં કોઠાસૂઝ અને હૈયાઉકલતથી પોતાની જાતે બોલ્ટ નટ ફિટ કરીને એક પરિવહન વાહન જેને આપણે સનેડો કહી શકીએ તેવું બનાવેલ. ત્યારબાદ લમ્પી વાયરસ માટે ગાયો માટે એક ઔષધ પણ તૈયાર કરેલું. વિષ્ણુભાઈ સ્વભાવે મિલનસાર અને કર્મનિષ્ઠ હોય પોતાના કોઈ પણ કાર્યને પ્રમાણિક પણે કરતાં જોવા મળે છે. આ અગાઉ અવનવા પ્રયોગો કરીને શેરડીનો હરતો ફરતો સિંચોડો પણ ખૂબ ધ્યાનાકર્ષક બનાવી ધગધગતા ઉનાળામાં ખૂબ જ વ્યાજબી ભાવે શેરડીનો ઠંડો અને મીઠો મધુરો રસ પણ લોકો માટે વેચાણર્થે વ્યવસાય કરતાં. એમને મન ગ્રાહક એ ભગવાનનું સ્વરૂપ છે એટલે ખૂબ જ નોમિનલ નફો લઈને જ પોતાની કોઈ પણ બનાવટ વેચાણ કરતાં જોવા મળેલ. હાલ શિયાળાનો સમય છે અને ચણાના લોટના લાઈવ સ્ટીમ ઢોકળા પોતાના એ જ સનેડાને નટ-બોલ્ટ દ્વારા આધુનિક સ્વરૂપ આપી એમાં વેચાણ કરવાની ચાલું કર્યું છે. હા, *આ મોબાઇલ હરતી ફરતી શોપમાં ગ્રાહક પોતે પણ સંતુષ્ટ થઈ જાય એવી લાઈવ  સ્ટીમ ઢોકળાની એક ડિશમાં ત્રણ પ્રકારની ચટણી સાથે સર્વ કરતાં જોવા મળે છે અને તે પણ માત્ર ૨૦ રુપિયામાં.. વિષ્ણુભાઈને મન તો ગ્રાહક ધરાઈ જાય એ જ જાણે એનો નફો હોય તેવી ભાવનાથી પોતે વેચાણ કરે છે. આ લાઈવ સ્ટીમ ઢોકળા ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર સમજીને ગ્રાહકો પણ હોંશે હોંશે ખાય છે. આમ પણ ઢોકળા એ તો ગુજરાતી સમાજે વિશ્ર્વનેરઆપેલ એક અનોખી ખાણીપીણીની આઈટમ છે. વળી સાંજે ધંધામાંથી પરવારીને પોતાને નિરણ કે ઘાસચારો લેવા જવાનો હોય ત્યારે એ મોબાઇલ સ્નેક હાઉસ વાહનના નટ-બોલ્ટ ખોલી અને તેનો ઉપયોગ ગુડઝ કેરેજ માલવાહક તરીકે પણ કરે છે.  ટૂંકમાં હૈયાઉકલત અને લોકોને સારું અને શ્રેષ્ઠ પીરસવાની ભાવના સાથે વિષ્ણુભાઈ ભરાડ એક અનોખી પહેચાન ધરાવે છે એવું તો સ્પષ્ટરીતે કહી શકાય. ક્યારેક સમય મળે તો વિષ્ણુભાઈ ભરાડ એક મળવા જેવું વ્યક્તિત્વ  તો જરૂર ગણાય. આમ ગણો તો આર્થિકરીતે ભલે સધ્ધર ન હોય પરંતુ હૈયે હામ છે. અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. બસ સતત *અવનવા સંશોધનો કરવા એ જ એના જીવનનો મુદ્રાલેખ હોય તેવું લાગે છે. વિષ્ણુભાઈ પોતે આત્મનિર્ભર ભારતના એક શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય ખરાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *