શિક્ષણ એ આપણા દેશમાં હવે ફરિયાદ થઈ રહ્યું છે, આ શબ્દોમાં છુપાયેલી વ્યથા ને સમજવાની કોશિશ કરી શકાય. બાળક જન્મે એ પહેલાં જ એના ભવિષ્યમાં શિક્ષણ વિશે ચિંતા સાથે પરિવારમાં રકઝક ને મીઠી વાત નો દોર શરૂ થઈ જાય છે, ક્યાં માધ્યમમાં શિક્ષણ અપાવવું, કેવી શાળામાં અભ્યાસ કરાવવો,કઈ કોલેજ, યુનિવર્સિટી ,ડીગ્રી અને એ બધામાં બાળકને મશીન બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. નર્સરી થી શરૂ કરવામાં આવતી ગોખણ પટ્ટી અને સૌથી આગળ નીકળી એક સ્ટેટ્સ બનાવવાની દોડમાં ધક્કો મારીને દોડાવવું ફરજિયાત કરી દે છે. હજુ સુધી જે ઘરમાં રહેતા લોકો સાથે મળીને બોલતાં નથી શીખ્યું ત્યાં આજના અત્યાધુનિક ભવિષ્ય ચિંતિત માતા પિતા એવી દોડમાં બાળકને મૂકે છે જે ખતમ નથી થતી પરંતુ ખતરનાક બની જાય છે. આપણે ગુજરાતી છીએ પરંતુ બાળક અંગ્રેજી ભાષામાં જ ભણવું જોઈએ, ના સમજાય ભણતર તો મોંઘાદાટ ટ્યુશન કરાવશું.અને એક દિવસ એડોક્ટર, એન્જિનિયર એવા ઘણા અવકાશ માંથી એક કારકિર્દી બનાવશે. આ હજારો સપનાઓની વચ્ચે પીસાતું બાળક માતા પિતાની મુકેલી દોડમાં સામેલ થઈ જાય છે. એ ગમો અણગમો વ્યક્ત કરતા શીખ્યું જ નથી, ssc માં ટકા ઓછા આવ્યા તો કોમર્સ કરી લે ,સાયન્સ ના થયું માટે કોમર્સ કરી સરકારી નોકરી કે બીજું કંઈ કરી શકે. ભણતર ની અસંખ્ય ડિગ્રીઓ હાંસિલ કરી લે તો પણ એક દબાણ તો હોય સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી લે તો ઓફિસર બની શકે. એ તૈયારીઓ કરી રહ્યા હોય અને એ પરીક્ષા પેપર લીક થાય ત્યારે! એ બાળક જે હવે યુવાન વયે પોતાની જાતને પૂછે છે કે મેં અત્યાર સુધી શું કર્યું? નથી મારી પાસે એટલી મિલકત કે કંઈપણ નહીં કરું તો પણ મિલકત ને સહારે ચાલશે, અને આખરે એ યુવાન એ ઘરમાં મદદરૂપ બને એમાટે કંઈપણ નાનકડો વ્યવસાય શરૂ કરી દે છે. પરંતુ વ્યવસાય કરતાં સાથે પણ કહેવાતા સરકારી તંત્ર દ્વારા હેરાનગતિ . આ બધું સામાન્ય પરિવારના સભ્યોને વધારે અસર કરે છે. આજ જ જુનિયર ક્લાર્ક ની સ્પર્ધાત્મક પરીક્ષા નું પેપર લીક થયું અને કહેવાતા સરકારી આંકડા મુજબ 9 લાખ ની આસપાસ વિદ્યાર્થીઓ નું ભવિષ્ય ધૂળમાં રગડોળાઈ ગયું.હવે એ વિદ્યાર્થીઓ માટે સરકાર તરફથી પ્રતિક્રિયા શું હોવી જોઈએ? એ દરેક વિદ્યાર્થીઓ ની મહેનત પરત થશે?એ તો એક ઉદાહરણ છે જે હકીકત બન્યું છે પરંતુ વિચાર કરો વીતેલા સમયમાં આવા કેટલા પેપર લીક થયા છે અને પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. ક્યાં સુધી આવું થશે?
હર્ષા દલવાડી’તનુ’
જામનગર


