આણંદ
આણંદ શહેરના ઉમા ભવન પાછળ મોડી રાત્રે લગ્ન પ્રસંગમાં મોટે મોટેથી ડીજે વગાડનારા સામે પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં લગ્ન સમારંભનું આયોજન કરનાર શખસ અને ડીજે સંચાલક સામે ગુનો નોંધી રૂ.૪.૬૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આણંદ શહેરના ઉમા ભવનની પાછળ મોટા અવાજે ડીજે વાગતું હોવાની ફરિયાદ મળતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ડીજે વગાડતા શખસની અટક કરી પુછપરછ કરતાં તે પ્રકાશ ચીમન વાઘેલા (રહે. ચિખોદરા) હોવાનું જણાવ્યું હતું અને તે વિષ્ણુ રાજુભાઈ પરમાર (રહે. રાસનોલ)ના ઘરે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. જાેકે, જાહેરનામા મુજબ રાત્રિના દસ વાગ્યા બાદ ડીજે વગાડી શકાય નહીં. તેમ છતાં સંચાલક અને લગ્નના આયોજક બંને રાત્રિના ૧૦ વાગ્યા બાદ મોટે મોટેથી મ્યુઝીક સિસ્ટમ વગાડી રહ્યાં હતાં. આથી, પોલીસે મિનિટ્રક નં.જીજે ૧૭ યુયુ ૪૭૩૭, એમ્પીલીફાયર, ઇલેક્ટ્રીક જનરેટર, સ્પીકર સહિત કુલ રૂ.૪.૬૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પ્રકાશ ચીમન વાઘેલા અને વિષ્ણુ રાજુ પરમાર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


