જંબુસર
આમોદ-આછોદ રોડ ઉપર તહેસીન પોલ્ટ્રી ફાર્મ પાસે બોલેરો પીકઅપ ગાડીના ચાલકે બાઈક સવારોને ટક્કર મારતા એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જયારે અન્ય બેને ઈજાઓ પહોંચી હતી. જંબુસર તાલુકાના ટંકારી બંદર ગામમાં રહેતા મહેન્દ્ર કાલિદાસ પરમારનો પુત્ર ૨૨ વર્ષીય કિરીટ પરમાર પોતાના મોટા પપ્પાની બાઈક નંબર-જી.જે.૧૬.સી.એલ.૫૪૭૦ લઇ મિત્ર કરણ છત્રસંગ પરમાર અને વિજયકુમાર કનુ પઢીયાર સાથે દહેજથી પોતાના ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન આમોદ-આછોદ રોડ ઉપર તહેસીન પોલ્ટ્રી ફાર્મ પાસે પુરપાટ ઝડપે ધસી આવેલ બોલેરો પીકઅપ ગાડી નંબર-જી.જે.૧૬.બી.એન.૨૫૯૧ના ચાલકે બાઈક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કિરીટ પરમારનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જયારે અન્ય બે યુવાનોને ઈજાઓ પહોંચી હતી અકસ્માત અંગે આમોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


