સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ડિમોલીશન અર્થાત્ વિસ્થાપન એક દર્દભરી દાસ્તાન.. આમ ગણીએ તો હરખાવા જેવું પણ નથી પેટિયું રળવાં માટે વલખાં મારતાં લોકો માટે તો પ્રાણઘાતક જ ગણાય..!! સવાલ એ થાય છે કે આટલી હદે સમસ્યા વિસ્તરે ત્યાંસુધી તંત્ર ઘોર નિંદ્રામાં હોય છે કે પછી? અને દર્દ જ્યારે નાસુર બને ત્યારે નશ્તર ફેરવવું. જો કે શહેરનાં બ્યુટિફિકેશન માટે ઘણીવખત એ જરૂરી પણ હોય છે. પરંતુ રોજીરોટી છીનવાઇ એ પણ એક કારમી ઘટના જ કહેવાય છે.. ખૈર હવે તંત્રને જે મંજૂર તે.. સ્વર્ણિમ સાવરકુંડલા શહેરનું આ પણ એક અનોખું પાસું હશે . આપણે ઇચ્છીએ કે ફરી સાવરકુંડલા શહેર માટે એક સોનેરી સૂરજ ઊગે.. ફરી નાવલી હરીભરી થાય. બેરોજગારી અને મોંઘવારીમાં ઘટાડો થાય અમીર અને ગરીબની વચ્ચેનું આર્થિક અંતર ઘટે. અંતરિક્ષ શાંતિ, પૃથ્વી શાંતિ, સરેરાશ આર્થિક સ્થિરતા સાથે ફરી નવયુગના મંડાણ થાય એવી શુભ ભાવના સાથે ફરી આવાં દ્રશ્યો ન સર્જાય તેવી પરિસ્થિતિનું સદૈવ માટે નિર્માણ થાય એ પણ એટલું જ ઈચ્છનીય. જો ગુજર રહી હૈ ઉનપે ઉસે કૈસે બ્યાઁ કરે.. અહીં શબ્દો નિશબ્દ થઈ અને હ્રદયનાં ઊંડા ઊંડાણેથી એક ચિત્કાર પણ નિકળે. હે, પ્રભુ! કરુણા કરો.. કિડીને કણ અને હાથીને મણ આપનાર તો તમે જ છો..હવે નૂતન સાવરકુંડલાનું નિર્માણ પણ કરો જ્યાં દરેકને ખપપૂરતી રોજગારી મળે…!!કોઈ ઋજુ કવિ હ્રદય આજે કાગજ કે ફૂલ વિણાતાં જોઈ ઊંચા આભ સામે દ્રષ્ટિ કરીને ઈશને બે હાથ જોડીને પ્રાર્થના કરતો હશે. ભૌતિક યુગના આ હાઈટેક જમાનામાં ૭ જેસીબી, ૨ ક્રેઇન, ૧૫ ટ્રેકટર ૨૦૦ હોમગાર્ડ જવાન, ૩૦૦થી વધુ પોલીસ સ્ટાફ બે ડીવાયએસપી ૧૫ પીએસઆઇ સાથે સાવરકુંડલા નગરપાલિકા, સ્ટેટ હાઇવે, નેશનલ હાઈવે ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ, રિધ્ધી સિધ્ધી ચોક, નાવલી બઝાર, સહિતના વિસ્તારોમાં ગેરકાયદે કોમર્શિયલ દબાણ પર બુલડોઝર ફરી વળવાનું શરૂ થયું. . અડધું શહેર બંધ જેવું વાતાવરણ.. ઘણાંલોકો સ્વૈચ્છિક દબાણો પણ સ્યંમ હટાવતાં જોવા મળેલ. તો વળી અમુક સ્થળે હાઇકોર્ટના સ્ટે હોવાથી એ પાલા કેબિન યથાવત છે. આમ ગણો તો સાવરકુંડલા શહેરના મોટાભાગના દુકાનદારો પોતાના છાપરા ઓટા ગઈકાલે રાત્રે સ્વૈચ્છિક રીતે પણ દૂર કરતાં જોવા મળ્યા..
