નવીદિલ્હી
માર્ચના પહેલા દિવસે જ મોંઘવારનો મોટો માર પડ્યો છે. મહિનાના પહેલા જ દિવસે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ ૫૦ રૂપિયા વધી ગયા છે. હવે દિલ્હીમાં ઘરેલુ એલજીપી સિલિન્ડર ૧૧૦૩ રૂપિયા થયો છે. હોળી પહેલા આ મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે. સુત્રોના જણાવ્યાં મુજબ ૧૪.૨ કિલોગ્રામવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૫૦ રૂપિયા વધારો થયો છે. જ્યારે ૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૩૫૦.૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં ૧૯ કિલોગ્રામવાળો કોમર્શિયલ સિલિન્ડર હવે ૨૧૧૯.૫૦ રૂપિયાનો મળશે. જ્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડર ૧૧૦૩ રૂપિયાનો થયો છે. વધેલા ભાવ આજથી જ લાગૂ થયા છે. ઘરેલુ સિલિન્ડરમાં ૫૦ રૂપિયાનો ભાવ વધારો થવાથી હવે દિલ્હીમાં ૧૦૫૩નો બાટલો ૧૧૦૩ રૂપિયામાં મળશે જ્યારે મુંબઈમાં ૧૧૦૨.૫, કોલકાતામાં ૧૧૨૯, ચેન્નાઈમાં ૧૧૧૮.૫ રૂપિયામાં મળશે. જ્યારે કોમર્શિયલ સિલિન્ડરની વાત કરીએ તો દિલ્હીમાં ૨૧૧૯.૫ રૂપિયામાં, મુંબઈમાં ૨૦૭૧.૫ રૂપિયામાં, કોલકાતામાં ૨૨૨૧.૫, અને ચેન્નાઈમાં ૨૨૬૮ રૂપિયામાં બાટલો મળશે. અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક મહિનાથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો જાેવા મળી રહ્યો હતો. પરંતુ ત્યારબાદ ઓઈલ કંપનીઓએ ૧૯ કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં જબરદસ્ત વધારો કરી નાખ્યો. આ વખતે ૩૫૦.૫૦ રૂપિયાનો વધારો થયો. આ વધારા સાથે હવે ગેસ સિલિન્ડરનો ભાવ ૨૧૧૯.૫૦ રૂપિયા પહોંચ્યો છે. દિલ્હીમાં આ જ સિલિન્ડર પહેલા ૧૭૬૯ રૂપિયામાં મળતો હતો. એક જાન્યુઆરીએ બાટલામાં ૨૫ રૂપિયાનો વધારો થયો હતો.


