ગાંધીનગર
વર્ષ – ૨૦૧૬ માં જામનગરમાં નોંધાવેલા ગુનાની અદાવત રાખી ફોન કરીને બિભત્સ ગાળો બોલી જાતિ વિષયક અપશબ્દો બોલીને ફરિયાદીની દીકરીનું અપહરણ કરવાની ધમકી આપવાના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ડભોડા પોલીસે સતત ત્રણ દિવસ સુધી ગોવામાં ધામા નાખીને દબોચી લીધો હતો. આરોપીને હાલ જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે. ગાંધીનગરના વલાદ ખાતે રહેતા ફરિયાદીની બહેને વર્ષ – ૨૦૧૬ માં ગાંધીનગરના સેકટર – ૨૯ સાગર સોસાયટી બી /૧૩,રૂમ નંબર ૧/૩ માં રહેતા મૂળ મુંબઈનાં નિતીન શિવાજી પાટીલ વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૬,૪૬૫ અને ૫૦૭ હેઠળ જામનગરમાં ગુનો દાખલ કરાવ્યો હતો. જેની અદાવત રાખી નિતીન મોબાઇલ ફોન કરીને ફરિયાદી તેમજ તેની પત્નીની ગાળો બોલી જાતિ વિષયક અપશબ્દો કહીને દીકરીનું અપહરણ કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતો રહેતો હતો. જે અન્વયે ડભોડા પોલીસ મથકમાં આઈટી અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ગુનામાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ઘનિષ્ઠ તપાસ હાથ ધરતાં ફોન કરીને ધમકી આપનાર નિતીન પાટીલ જ હોવાનું બહાર આવ્યું હતું. જાે કે છેલ્લા એક વર્ષથી નિતીન ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. ત્યારે ડભોડા પોલીસ મથકના પીએસઆઇ એમ એસ રાણાનાં સુપરવિઝન હેઠળ સ્ટાફના માણસોએ નિતીનને ઝડપી પાડવા માટે તેને ટ્રેક કરવામાં આવતો હતો. જેનાં પગલે નિતીન ગોવામાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આથી પીએસઆઇ ડી એમ પટેલે ટીમ સાથે સતત ત્રણ દિવસ સુધી ગોવામાં ધામા નાખી નીતિનને ઉઠાવી લઈ ગાંધીનગર લઈ આવવામાં આવ્યો હતો અને ઉક્ત ગુનામાં જરૂરી કાર્યવાહી કરીને નીતિનની ધરપકડ કરી જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે.


