Gujarat

રાણપુર ખાતે જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ

વિવિધ વિભાગોને લગતાં પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાની તાકીદ
સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરા
 કેન્દ્રીય મંત્રી અને બોટાદ જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષ ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષપદે રાણપુર તાલુકાની મામલતદાર કચેરી ખાતે દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ વિભાગોને લગતાં પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા સુદ્રઢ આયોજન ઘડી કાઢવા કેન્દ્રીય મંત્રીએ તાકીદ કરી હતી. કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાએ સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓની સમીક્ષા કરતા જણાવ્યું કે,  સરકારની જનકલ્યાણ લક્ષી યોજનાઓનો લાભાર્થીઓ સરળતાથી લાભ લઈ શકે તેમજ જરૂરીયાતમંદ  લાભાર્થી લાભથી વંચીત ન રહે તેની પણ સવિશેષ કાળજી રાખવા કેન્દ્રીય મંત્રીએ અનુરોધ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ  સિંચાઇ, સુજલામ સુફલામ અન્વયે તળાવ ઉંડા કરવાની કામગીરીની સાથોસાથ રોજગારી સર્જન તેમજ બેટી બચાવો બેટી પઢાવો જેવા કાર્યક્રમોની લોક જાગૃતિ આવે તે રીતનું સુચારૂં આયોજન ઘઢી કાઢવા જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. આ બેઠકમાં  અન્ન નાગરિક પુરવઠા, આરોગ્ય,  શિક્ષણ, નગરપાલીકા વિસ્તાર સહિતના ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને સુચનાઓ સાથે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.જિલ્લામાં વિકાસકીય કામો જે પૂર્ણ થયા હોય તેવા તમામ કામોના બાકી રહેલા પેમેન્ટની ચૂકવણી કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.જિલ્લા કલેક્ટર બીજલ શાહે ઉક્ત બેઠકમાં જિલ્લામાં ચાલતા યોજનાકીય કામો સત્વરે પૂર્ણ કરવા સંબંધિત અમલીકરણ અધિકારીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. જિલ્લામાં ચાલી રહેલા પ્રગતિ હેઠળના વિકાસકાર્યો વિશે વિસ્તૃત જાણકારી પણ પુરી પાડી હતી.બેઠકમાં ચર્ચા દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણી, ધારાસભ્ય કાળુભાઇ ડાભીએ જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતાં. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઈન્ચાર્જ નિયામક મકવાણાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ઉપસ્થિત સૌ કોઈને યોજનાકીય કામોની વિગતો પૂરી પાડી હતી.બેઠકમાં કેન્દ્રીય મંત્રીએ “મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના” અન્વયે  રાણપુર તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ઉમરાળા ગામના સરપંચ ને પંચાયતના વિકાસઅર્થે રૂ.૨૫ હજારનો ચેક એનાયત કર્યો  હતો. મોડલ સ્કૂલની વિદ્યાર્થીની ચેતનાબેન પરમારને નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ સન્માનિત કરાઇ હતી. આ વેળાએ ઈન્ચાર્જ  જિલ્લા વિકાસ અધિકારી અને નિવાસી અધિક કલેકટર મુકેશ પરમાર, જિલ્લા આયોજન અધિકારી જોષી સહિતનાં સમિતિના અન્ય સભ્યો, જિલ્લાનાં સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230310-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *