(બટુક ભોજન, યજ્ઞ હવન અને સુંદર કાંડનાં પાઠનું ઠેર ઠેર આયોજન)
ધ્રાંગધ્રા : હિતેશ રાજપરા
આજે ચૈત્રી પૂનમને શાસ્ત્રોમાં ભક્તિ અર્ચના તેમજ દાન માટે સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. આજ નાં દિવસને કલયુગનાં જીવતા ભગવાન અને યાદ કરો ત્યારે ભક્તોનાં દુઃખ દૂર કરવા હાજર એવા હનુમાનજી નાં જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ધ્રાંગધ્રામાં વહેલી સવારથી જ ગલીઓ ખાંચા સહીત હનુમાનજીનાં મુખ્ય મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી ખાસ તો ધ્રાંગધ્રાનાં રોકડીયા હનુમાન ખાતે સતત 5 કલાક ચાલુ રહેતા યજ્ઞ હવનમાં આખુ ધ્રાંગધ્રા ઉમટી પડ્યું હતું. લોકોએ યજ્ઞમાં આહુતિનાં આશીર્વાદ પ્રાપ્ત કરી દાદાના દર્શન કરી ને મંદિરમાં જ પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી.જો કે ધ્રાંગધ્રાનું રોકડીયા હનુમાન મંદિર રાજાશાહી વખતનું પ્રાચીન મંદિર છે અહીં રામનવમી પૂર્વેથી જ અઠવાડિયા સુધી અખંડ રામધૂન છેલ્લા 114 વર્ષથી અવિરત ચાલુ જોવા મળે છે તો હનુમાન જ્યંતીએ 108 સુંદર કાંડ નાં પાઠ નું ભક્તો દ્વારા જ પઠન કરવામાં આવે છે સાંજે 4 થી મોડી રાત સુધી સુંદર કાંડનાં પાઠ અને હનુમાન ચાલીસામાં ધ્રાંગધ્રાવાસીઓ અચૂક હાજરી આપીને દાદાની માનતા રાખતા હોય છે. ધ્રાંગધ્રા ફુલગલી હનુમાનજી ચોકમાં વર્ષોથી બટુક ભોજન કરાવવામાં આવી રહ્યું છે જેમાં સુંદર કાંડનાં પાઠની શરૂઆત બાદ અનેક ભૂલકાઓ બટુક ભોજન કરતા હોય છે. હનુમાન જન્મોત્સવનાં પવિત્ર દિવસે લોકોએ સિંદૂર તેલ ચઢાવી સ્વયં શિવ નાં 11 માં અવતાર એવા હનુમાનજીને રીજવ્યા હતા.


