જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગ દ્વારા કેસર કેરીના જન્મદિવસની ઉજવણીમાં કેરીના વિવિધ જાતોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેમાં જાપાનમાં ઉત્પાદિત થતી ઈરવિન એપલ મિયાઝાકી નામની કેરીએ આકર્ષણ જમાવી હતું. આ કેરીને સુમિત શમ્સુદ્દીન નામના યુવાન ખેડૂત જાપાનથી લાવ્યા હતા.
શ્રી સુમિતના જણાવ્યા મુજબ ઈરવિન એપલ મિયાઝાકી મેંગો કિલોના ભાવ રૂ. ૨ લાખ સુધીના છે. જે સાંભળી કોઈપણ નવાઈ પામે. પરંતુ આ ભાવ ૫ થી ૧૦ ટકા ઉત્પાદિત કેરીને મળે છે. આ કેરીના વેંચાણ માટે વજન, કલર, મીઠાશ વગેરેના માપદંડો હોય છે. જે માપદંડોમાં આ કેરીના ફળ ફીટ બેસે તેની હરાજી કરવામાં આવે છે. તેમાં તેની આ કિંમત ચૂકવવામાં આવે છે.
અન્ય ૯૦ ટકા કેરીની ગુણવત્તા આધારે વેચાણ થાય છે એટલે કે જેમ ગુણવત્તા ઘટતી જાય તેમ ભાવ પણ ઓછો મળે છે. આ કેરીનું વિશિષ્ટ ન્યુટ્રીશન વેલ્યુ નથી. શ્રી સુમિતે જણાવ્યું હતું
ઈરવિન એપલ મિયાઝાકી મેંગો મેંગો મોંઘી હોવા પાછળ તેનું ઉત્પાદન ખર્ચ છે. જાપાનમાં ગરમી પડતી નથી જેથી ગ્રીન હાઉસમાં કેરી પકવવામાં આવે છે. ગરમી માટે હિટ આપવામાં આવે છે જેથી લાખો રૂપિયાનું લાઈટ બિલ આવે છે. ઉપરાંત કેરીના એક ઝાડમાંથી મર્યાદિત જ ફળ લેવામાં આવે છે. આમ, ગુણવત્તા જાળવવા માટે ઝાડ પરના નિશ્ચિત સંખ્યા કરતા વધુના ફળને દૂર કરી દેવામાં આવે છે.
આ પ્રદર્શનમાં રજૂ કરાયેલ ઈરવિન એપલ મિયાઝાંકી નામની કેરીની કિંમત રૂ. ૫ હજાર હતી.
જાપાનના પ્રવાસ દરમિયાન શ્રી સુમિતે કેરીની ઉત્પાદન પદ્ધતિ, બજાર વગેરેની જાણકારી મેળવી હતી. જેનાથી ખેડૂતો અને ઉપસ્થિત મહાનુભવોને અવગત કરાવ્યા હતાં.


