વાવાઝોડાંએ અમુક પતરાં ઉડાવ્યા, હજુ મોત સમા અમુક લટકે છે ! વાહનચાલકોમાં ભયનો માહોલ : શહેરમાં અમુક મકાનો ખળભળ્યા : વૃક્ષો તૂટી પડ્યા :
પીઠડિયા ટોલ પ્લાઝા પર બીપોરજોય વાવાઝોડાએ વિનાશ અહીં વેર્યો છે. રાતના વાવઝોડાને કારણે પીઠડીયા ટોલ પ્લાઝાની છતના પતરા ઉડી ગયા અને ઘણા પતરા મોત બની હજુ લટકી રહ્યા છે. અને હજુ વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટ ચાલું હોય ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. ત્યારે ચોવીસેય કલાક વાહનોથી ધમધમતા આ ટોલ પ્લાઝા પરથી પસાર થતાં વાહનો પર મોત ઝંબુળી રહ્યું છે. અને ટોલ પ્લાઝાની બાજુમાં વસાહત પણ હોય પતરા ઉડીને ત્યાં જાય તો ત્યાં પણ જાનહાની થઈ શકવાની સંભાવના નકારી શકાતી નથી.
ટોલ પ્લાઝા પર લટકતા પતરારૂપી મોત ઝંબુળતું હોવા છતાં ટોલ પ્લાઝા સંચાલકોએ ટોલની આઠ લાઈનમાંથી છ લાઈન બંધ કરી બે લાઈન વાહનો પાસે ટોલ વસૂલવા ચાલું રાખી છે. ઇન અને આઉટની બે લાઈનો જ ચાલુ હોવાથી બંને બાજુ વાહનોની કતારો લાગી જાય છે. આ કતારો વચ્ચે જો ભારે પવનને કારણે કોઈ લટકતું પતરુ ઉડીને વાહન પર પડે અને કોઈ ગંભીર અકસ્માત થાય તો તેનો જવાબદાર કોણ ? તેમ ત્યાંથી પસાર થનાર વાહન ચાલકો પૂછી રહ્યા છે.
બીજીબાજુ જેતપુર શહેરમાં પણ ભારે પવને નાની મોટી તારાજી સર્જી છે. શહેરના વાલ્મિકી વાસમાં અમુક મકાનના પતરા ઉડી ગયા હતા. સદભાગ્યે કોઈ જાનહાનિ નથી નોંધાઈ. રાજેશ્વરી સોસાયટી, ચંદ્રમોલેશ્વર મંદિર પાસે એમ બે જગ્યાએ વૃક્ષો થયાં ધરાશયી થયાના અહેવાલો મળે છે. લાદી રોડ પર આવેલ ઝૂલેલાલ મંદિર ઉપર જીવતો વીજ વાયર પડ્યો હતો હતો પણ કોઈને ઇજા થઈ નથી. સતત વરસાદ વરસી રહ્યો છે. રાત્રિ દરમિયાન વરસાદ વધે તો હજુ ઘણી નુકશાન થવા અંગેના અભ્યાસુઓના અનુમાનને તંત્રે સતત ધ્યાને લેવું પડશે તેવું જાગૃત લોકો કહે છે.
( ફોટો હરેશ ભાલીયા )


