Gujarat

જૂનાગઢથી વિડીયો કોન્ફરન્સમાં સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અને પ્રભારી સચિવ શ્રી મનીષ ભારદ્વાજની ઉપસ્થિતિ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બિપરજોય વાવાઝોડા સંદર્ભે જૂનાગઢ જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અને પ્રભારી સચિવ શ્રી મનીષ ભારદ્વાજની ઉપસ્થિતિમાં કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જિલ્લામાં વાવાઝોડાની અસરથી વાકેફ કરતા સ્થિતિ સામાન્ય હોવાનું જણાવ્યુ હતુ.

        કલેકટરશ્રીએ જણાવ્યુ કે, જિલ્લામાં સામાન્ય વરસાદ છે, પવન પણ ૩૦ થી ૩૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી રહ્યો છે. જિલ્લામાં કોઈ માનવ મૃત્યુ પણ નોંધાયું નથી. પશુઓમાં ત્રણ ઘેટાઓના મૃત્યુ પામતા ત્વરિત ૩૦૦૦ પેટે રુ.૯૦૦૦ની સહાય પણ ચૂકવી દેવામાં આવી છે.

તેમણે જણાવ્યુ કે, કેશડોલ વિતરણની કામગીરી પણ ઝડપભેર શરુ કરવામાં આવશે. ૩૨ જેટલા મકાનોમાં નાનું-મોટું નુકસાન થયું હોવાનું પ્રાથમિક સર્વેમાં સામે આવ્યું છે. બાગાયત ખેતીમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું નથી, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

        જિલ્લામાં એસ.ટી. બસોના રુટ પણ શરુ કરી દેવામાં આવ્યા છે. માર્ગ પર ધરાશાયી થયેલા ૨૫૦ જેટલા વૃક્ષોને દૂર કરી તમામ રસ્તાઓનો વાહન વ્યવહાર પૂર્વવત થયો છે. વાવાઝોડામાં પડી ગયેલા વીજ પોલને પણ ઝડપભેર રિસ્ટોર કરવામાં આવી રહ્યા છે. સ્થિતિ સામાન્ય રહી તો સોમવાર સુધીમાં ગિરનાર રોપ-વે પણ શરુ કરવાની વિચારણા છે, તેમ કલેકટરશ્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યુ હતુ.

        મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાવાઝોડાની આફતમાં ભારત સરકારના પૂરતા સહયોગ સાથે હવામાન વિભાગ, એનડીઆરએફ, આર્મી સહિતની એજન્સીઓ અને વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં પ્રશાસન દ્વારા ખૂબ અસરકારક કામગીરી થઈ હોવાનું જણાવ્યુ હતુ.  ધરાશાયી થયેલ વૃક્ષોની સરખામણીએ બમણાથી પણ વધુ વૃક્ષ વાવેતર કરવા અને વાવાઝોડા પછીની હાથ ધરવામાં આવનાર સફાઈ, આરોગ્ય, વીજળી પૂર્વવત કરવા માટે સહિતની કામગીરી ઝડપભેર કરવા માટે સૂચના આપી હતી.

        આ વિડીયો કોન્ફરન્સમાં  જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, નિવાસી અધિક કલેકટર શ્રી પી.જી. પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટ પટેલ સહિતના અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Cm-sir-vc-on-jnd-5.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *