તેજગઢ મા ભર ઉનાળે પીવાના પાણી માટે રઝળપાટ
ઉગ્ર રજૂઆત બાદ બે દિવસમાં સમસ્યા હલ કરવાની હૈયાધારણા અપાતા હાલ પૂરતો મામલો સમેટાયો
તેજગઢ વિસ્તારોમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાતા હેરાન પરેશાન મહિલાઓએ આજે ગ્રામપંચાયતનો ઘેરાવો કરવા સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. મોટી સંખ્યામાં ગ્રામપંચાયત કચેરીમાં ઉમટેલી મહિલાઓને બે દિવસમાં સમસ્યાનો ઉકેલ આવશે તેવી પંચાયત દ્વારા હૈયાધારણા આપવામાં આવતા હાલ પૂરતો મામલો સમેટાઈ ગયો હતો.
તેજગઢ ગામના કસ્બાફળિયા , મસ્જિદ ફળિયા તડવી ફળિયા સહિતના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની વિકરાળ સમસ્યા સર્જાઈ છે. જેના કારણે હાલાકી ભોગવતી આ વિસ્તારની મહિલાઓએ ગ્રામ પંચાયતમાં પહોંચી જઈ પાણીની સમસ્યાનાં નિરાકરણની માંગ સાથે પંચાયત કચેરીના જવાબદાર લોકોનો ઘેરાવ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારની મહિલાઓને પીવાના પાણી માટે રઝળવું પડી રહ્યું છે. ઘરના નળમાં પાણી ન આવતાં પીવાના પાણી માટે સમસ્યાઓ સર્જાય છે. પાણીના પ્રશ્ને અનેક વખત સ્થાનિક પ્રતિનિધિઓને રજૂઆતો પણ કરવામાં આવી હતી. પરંતુ સમસ્યાનો ઉકેલ ન આવતા અંતે રોષે ભરાયેલી મહિલાઓએ કંટાળીને ગ્રામ પંચાયતમાં રૂબરૂ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. મોટી સંખ્યામાં પાણીની સમસ્યાને લઈ રોષે ભરાયેલી મહિલાઓને પંચાયત દ્વારા બે દિવસમાં ઉકેલની હૈયાધારણા અપાતા હાલ પૂરતો મામલો સમેટાયો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


