Gujarat

સુરતમાં રોડ ક્રોસ કરતા વ્યક્તિને ટ્રકે અડફેટે લીધો

સુરત
સુરતમાં રોજબરોજ અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે. ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના બની છે. આજે પાંડેસરા દક્ષેશ્વર ચોકડી પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. રોડ ક્રોસ કરતા લુમ્સના કારીગરને ટ્રકે અડફેટે લીધો હતો. નાઇટ ડ્યુટી કરી સવારે ઘરે પરત ફરી રહેલા સંતોષ નામના વ્યક્તિને કાળ ભરખી ગયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થયો હતો. ઓડિશાના વતની અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષીય સંતોષ રાઉત લુમ્સના ખાતામાં કામ કરી ગુજરાન ચલાવતા હતા. લુમ્સના ખાતામાં નાઇટ ડ્યુટીમાં કામ કરતા હતા. પરિવારમાં એક પુત્ર, એક પુત્રી અને પત્ની છે. તેમનો પરિવાર વતનમાં રહે છે, જ્યારે તેઓ અહીં એકલા રહેતા હતા. આજે સવારે સંતોષ રાઉત નાઇટ ડ્યુટી કરી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પાંડેસરા દક્ષેશ્વર ચોકડી ખાતે રોડ ક્રોસ કરતા હતા ત્યારે પૂરપાટ આવી રહેલ આઇશર ટ્રેક અડફેટે લીધા હતા. ટ્રકનું ટાયર પેટ પર ફરી વળતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.અકસ્માત બાદ આઇશર ટ્રકનો ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ સંતોષના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. પોલીસે ટ્રક કબ્જે લઈ ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે. આ સાથે જ સંતોષના પરિવારને જાણ કરાતા તેઓ ઓડિશાથી સુરત આવવા રવાના થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *