Gujarat

૩ જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી ડે. પ્લાસ્ટિક પોલ્યુશનને અટકાવવા નડિયાદ નગરપાલિકા આવી એક્શન મોડમાં.

નડિયાદ નગરપાલિકા દ્વારા ફક્ત ચાર મહિનામાં ૧૮,૯૦૦/- રકમનો દંડ કરી વેપારીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સાવચેત કર્યા.
નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં પ્લાસ્ટિક બેગ ના હોલસેલ કેન્દ્રો પર રેડ કરી ૧૫૦૯ કિ.લો પ્લાસ્ટિક બેગ જપ્ત કરવામાં આવ્યું.
પર્યાવરણ પર પ્લાસ્ટિકની હાનિકારક અસરો વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 3 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ લોકોને પ્લાસ્ટિકની થેલીઓના વિકલ્પ રૂપે જ્યુટ અથવા કોટન બેગ જેવા ટકાઉ વિકલ્પો વાપરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
ગત વર્ષે   ૦૫ જૂન ૨૦૨૨ “વિશ્વ પર્યાવરણના દિવસે” વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું તબક્કાવાર નષ્ટ કરવાનો સંકલ્પ લીધો હતો. ત્યારબાદ ભારત સરકારના વન પર્યાવરણ અને આબોહવા (ક્લાઈમેટ ચેન્જ ) મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું જેમાં ૦૧ જુલાઈ ૨૦૨૨થી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સાથોસાથ પ્લાસ્ટિકની વસ્તુઓ અને કેરી બેગની મહત્તમ જાડાઈ નક્કી કરવામાં આવી હતી.
આ નિયમોના અનુસંધાને નડિયાદ નગરપાલિકા દ્વારા ફક્ત ચાર મહિનામાં અસરકારક કામગીરી દ્વારા ૧૫૦૯ કિ.લો પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને તે પેટે દુકાનદારોથી  ૧૮,૯૦૦ રૂપિયાના દંડની વસુલાત પણ કરવામાં આવી હતી.
નડિયાદ નગરપાલિકા દ્વારા જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે કે લોકો બાયોડીગ્રેટેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે જેથી પર્યાવરણને ઓછું નુકસાન થાય  તેમજ પર્યાવરણને બચાવવા પોતાનો ફાળો લોકો આપે.
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને નડિયાદ નગરપાલિકાના સંયુક્ત પ્રયાસે લોકોને પ્લાસ્ટિક બેગની જાગૃતિ લાવવા માટે અનેક સેમિનાર કરવામાં આવ્યા છે. વેપારીઓને એમની દુકાને જઈને તેઓ પ્લાસ્ટિક બેગ ન ખરીદે અને પ્લાસ્ટિક થી શરીરને  થતું નુકશાન અંગે માહિતી આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે Plastic Waste Management Amendment Rules, 2021,4(2) ના સુધારા પ્રમાણે સિંગલ યુઝ પ્લાસ્ટિક (SUP) નું ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ ૦૧ જુલાઈ, ૨૦૨૨ના નિયમ પ્રમાણે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. સાથોસાથ પોલિસ્ટાયરીન અને કોમોડિટીઝમાં ઉપયોગમાં લેવાયેલ પ્લાસ્ટિક પણ પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.
પ્રતિબંધિત પ્લાસ્ટિકમાં પ્લાસ્ટિક સ્ટિક સાથે બનાવવામાં આવતા ઈયરબર્ડ, બલૂન સાથે આવેલી પ્લાસ્ટિક સ્ટિક, કેન્ડી સ્ટિક, આઈસ્ક્રીમ ખાવા માટેની પ્લાસ્ટિકની ચમચી,વગેરે નિમ્ન ગુણવતા વાળી પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી છે.
જયારે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમ -2016 4(1) C માં સુધારો કરીને કેરી બેગ  વર્જિન અથવા રિસાયકલ પ્લાસ્ટિક દ્વારા બનાવવું સાથોસાથ તે પ્લાસ્ટિકની ગુણવતાની જાડાઈ 75 માઇક્રોન કરતા ઓછી ન હોવી જોઈએ અને આદર્શ પ્લાસ્ટિકની બેગનું માપ ૧૨૦ માઇક્રોન નક્કી કરવામાં આવ્યું હતું.

IMG-20230702-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *