નવીદિલ્હી
એશિયા કપ ૨૦૨૩ની યજમાનીને લઇ ચાલી રહેલો ઘણા મહિનાનો વિવાદ હવે સમાપ્ત થઇ ગયો છે. ડરબનમાં આઇસીસીની બેઠક બાદ બીસીસીઆઇ અને પીસીબી વચ્ચે ટૂર્નામેન્ટના આયોજનને લઇ ચાલી રહેલ કેંચતાણ હવે ખતમ થઇ ગઇ છે. પહેલા હાઇબ્રિડ મોડલનો વિરોધ કરનાર નવા પીસીબી ચેરમેન ઝકા અશરફે હવે તેના અંતર્ગત એશિયા કપના આયોજનને લઇ પોતાની મંજૂરી આપી દીધી છે. એટલે કે એશિય કપનો રસ્તો સાફ થઇ ગયો છે. હવે ખુબ જ જલ્દી શિડ્યુલની જાહેરાત થશે. આ દરમિયાન પાકિસ્તાનના મીડિયામાં એવી ખબર આવી હતી કે, બીસીસીઆઇના સચિવ જય શાહ એશિયા કપ ૨૦૨૩ જરમિયાન પાકિસ્તાન આવશે. જાેકે હવે જય શાહે આ ખબરનું ખંડન કર્યું છે. તેમણે જણાવ્યું કે, તેઓ ન તો એશિયા કપ પહેલા અથવા ટૂર્નામેન્ટ દરમિયાન અથવા પછી પાકિસ્તાનમાં આવશે. તાજેતરમાં જ પીસીબીના અધ્યક્ષ ઝકા અશરફે કહ્યું હતું કે જય શાહને એશિયા કપ ૨૦૨૩ માટે પાકિસ્તાનમાં આમંત્રણ આપ્યા બાદ બીસીસીઆઇ દ્વારા તેમને આઈસીસી વર્લ્ડ કપ ૨૦૨૩ માટે ભારત આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જાેકે ક્રિકબઝને બીસીસીઆઇના આંતરિક સૂત્રોએ આવા આમંત્રણના સમાચારને નકારી કાઢ્યા હતા. આ દરમિયાન બીસીસીઆઈના સચિવ જય શાહે બુધવારે સવારે એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, “હું કોઈ વાત પર સહમત નથી. પીસીબી દ્વારા આમંત્રણનો મામલો જાણી જાેઈને ફેલાવવામાં આવ્યો છે કે પછી તેમાં કોઈ શરારત છે. હું પાકિસ્તાન જવાનો નથી.” બીસીસીઆઇસેક્રેટરી જય શાહ અને પીસીબી અધ્યક્ષ ઝકા અશરફ ડરબનમાં ચાલી રહેલી આઈસીસી મીટિંગમમાં મળ્યા હતા, જ્યાં બંને વચ્ચે એશિયા કપ ૨૦૨૩ અને વન-ડે વર્લ્ડ કપ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાકિસ્તાની મીડિયામાં સતત એવા અહેવાલો આવી રહ્યા છે કે જય શાહે પીસીબી અધ્યક્ષનું પાકિસ્તાન આવવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. જે તદ્દન ખોટું છે. તમને જણાવી દઇએ કે, તાજેતરમાં જ નજમ સેઠીના સ્થાને પીસીબીના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળનાર ઝકા અશરફે શરૂઆતમાં એશિયા કપને હાઇબ્રિડ મોડલ હેઠળ યોજવાની વાતને નકારી કાઢી હતી. જાેકે હવે બીસીસીઆઇ અને પીસીબી આ મોડલ પર સહમત થઈ ગયા છે. આ મોડલ હેઠળ ભારત તેની તમામ મેચો શ્રીલંકામાં રમશે. ૯ મેચ શ્રીલંકામાં અને ૪ પાકિસ્તાનમાં રમાશે. આવી સ્થિતિમાં ૩૧ ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ માટે રસ્તો સાફ થઈ ગયો છે. એશિયા કપમાં ભારત-પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળની ટીમો પણ ભાગ લેશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. શ્રીલંકાએ ગયા વર્ષે યુએઈ માં આયોજિત એશિયા કપ જીત્યો હતો. તેણે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.


