બોડેલી તાલુકાના બાંગાપુરા ગામે મળસ્કે ચાર વાગે ધોધમાર વરસાદ વરસી જતા આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું.ગામના રસ્તાઓ પર પાંચથી છ ફૂટ પાણી ફરી વળ્યાં હતા. બાંગાપુરા ગામ નજીકથી જ નીકળતા મુખ્ય માર્ગ કરતા ખૂબ નીચાણ વાળા ભાગમાં આવેલું હોય જ્યારે પણ ભારે વરસાદ થાય ત્યારે આ પ્રકારની અહીં સ્થિતિ સર્જાઈ જાય છે. અત્રે નોંધપાત્ર બાબત એ છે કે, બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં આખી રાત દરમિયાન નહિવત વરસાદ પડ્યો હતો. જ્યારે આશ્ચર્યજનક રીતે બાંગાપુરા પંથકમાં બારે મેઘ ખાંગા ની સ્થિતિ સર્જાઈ ગઈ હતી .વહેલી સવારે આખું ગામ પાણીમાં ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.
બોડેલી તાલુકાના બાંગાપુરા ગામે મળસ્કે ચાર વાગ્યે કાળા ડિબાંગ વાદળોએ ઘેરાબંધી કરી લીધી હતી. અલ્હાદપુરા, બાંગાપુરા, ભૂખનપુરા, ભૂરીયાકુવા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. બાંગાપુરા ગામને કેન્દ્રીત કરતા આ ધોધમાર વરસાદે બાંગાપુરા ગામમાં જળબંબાકાર સર્જ્યો હતો.માત્ર એક કલાકમાં જ 5 થી 6 ફુટ પાણી રસ્તા પર જોવા મળ્યા હતા.વ્હેલી સવારે જ્યારે ગ્રામજનો ઘરોમાંથી બહાર નીકળ્યા ત્યારે આખું ગામ દરિયાના ટાપુ જેવું બની જઇ થોડા કલાકો માટે અન્ય ગામ થી વિખૂટું પડી ગયું હતું.
મળસ્કે 4 વાગે ઓચિંતા જ ધોધમાર વરસાદ વરસવા લાગ્યો હતો.આ વરસાદમાં માત્ર 5 ફુટ દૂર ઉભેલ વ્યક્તિ કે ઓબ્જેક્ટ નજરે જોઈ ન શકાય તે સ્થિતિ હતી.બાંગાપુરામાં વરસાદ માપક યંત્ર નથી.પણ અનુભવે અમારું અનુમાન છે કે ઓછામાં ઓછો એક કલાકમાં 7 ઇંચ વરસાદ વરસી ગયો હશે.ગામના મોટા ફળીયાથી નાના ફળીયા સુધી ચોમેર જળબંબાકાર સર્જાયો હતો.જોકે મકાનો ઉંચાઈ પર હોવાથી સદ નસીબે કોઈ નુકસાન સર્જાયું નથી. તેમ ગ્રામજનો જણાઈ રહ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


