Gujarat

હરિ ઇચ્છા બળવાન

એકવાર ભગવાન વિષ્ણુ ગરૂડજી ઉપર સવાર થઇને કૈલાશ પર્વત ઉપર જઇ રહ્યા હતા.રસ્તામાં ગરૂડજીએ જોયું કે એક જ દરવાજા ઉપર બે વરરાજાઓ જાન લઇને આવ્યા છે.સમગ્ર હકીકત ગરૂડજીને સમજમાં આવતી નથી તેથી તે ભગવાનને પૂછે છે કે પ્રભુ..આ કેવી અનોખી વાત છે કે વિવાહના માટે કન્યા એક છે અને બે વરરાજાઓ જાન લઇને આવ્યા છે?

ભગવાન કહે છે કે ગરૂડજી..તમારી વાત સાચી છે. એક જ કન્યા સાથે વિવાહ કરવા માટે અલગ અલગ બે જગ્યાએથી બે વરરાજા જાન લઇને આવ્યા છે. એક જાન પિતા દ્વારા પસંદ કરવામાં આવેલ છોકરાની તથા બીજી કન્યાની માતા દ્વારા પસંદ કરવામાં આવેલ છોકરાની છે. ત્યારે ગરૂડજી કહે છે કે તો પછી કન્યાનું લગ્ન કોની સાથે થશે?

ભગવાન કહે છે કે કન્યાની માતાએ જે મુરતીયાને પસંદ કર્યો છે તેની સાથે કન્યાનું લગ્ન થશે. ભગવાનની વાત સાંભળીને ગરૂડજી ચૂપ થઇ જાય છે અને ભગવાનને કૈલાશ પર્વત ઉપર મુકીને ગરૂડજી કૌતુહલવશ પાછા તે જગ્યાએ આવે છે કે જ્યાં બે વરરાજાઓની જાન રોકાઇ હતી.ગરૂડજીએ મનમાં વિચાર કર્યો કે કન્યાની માતાએ પસંદ કરેલ વરરાજાને અહીથી ક્યાંક દૂર લઇ જઇને મૂકી આવું તો તેનો વિવાહ કેવી રીતે થશેભગવાનના વિધાનને જોવાની-જાણવાની જિજ્ઞાસાથી તે વરરાજાને ઉઠાવીને સમુદ્રમાં આવેલ એક નિર્જન ટાપુ ઉપર મૂકી આવે છે.

ત્યારપછી ગરૂડજી થોડીવાર રોકાઇને વિચાર કરે છે આ વરરાજાને હું ઉઠાવીને આ નિર્જન ટાપુ ઉપર લાવ્યો છું પરંતુ અહીયાં તો ખાવા-પીવાની તો કોઇ વ્યવસ્થા નથી તેથી વરરાજા નિર્જન ટાપુ ઉપર તો મરી જશે અને ત્યાં જાનૈયાઓ અનેક પ્રકારના ભોજન આરોગશે આ યોગ્ય લાગતું નથી અને આમ કરવાથી તો મને પાપ લાગશે એટલે મારે આ વરરાજાના ખાવા-પીવાની વ્યવસ્થા કરવી જોઇએ.

વિધિના વિધાનને જાણવા માટે મારે થોડો પરીશ્રમ કરવો પડશેઆવો વિચાર કરીને તે પાછા તે જગ્યા ઉપર જાય છે કે જ્યાં બંન્ને વરરાજાઓની જાન રોકાઇ હતી.ત્યાં વરરાજાના ગુમ થવાથી કન્યાની માતાને ઘણી જ નિરાશા થાય છે પરંતુ હજું પણ તે તેણીએ પસંદ કરેલ વરરાજા સાથે જ પોતાની દિકરીના લગ્ન કરાવવા માટે મક્કમ છે એટલે તે એક મોટા ટોપલાને શણગારીને વરપક્ષ દ્વારા લાવવામાં આવેલ ફળ-ફુલ,મેવા-મિષ્ટાન ભરીને કન્યાને તેમાં સંતાડી દે છે. માતાની એવી ઇચ્છા હતી કે વરરાજાને શોધીને તેના ઘેર જ બંન્નેનો વિવાહ કરી દઇશું.કન્યાની માતાએ પોતાના મનનો ભાવ પોતાના વેવાઇને ખાનગી રીતે કહી દીધો.

હવે સંજોગની વાત જુઓ.જે મોટા ટોપલાને શણગારીને વરપક્ષ દ્વારા લાવવામાં આવેલ ફળ-ફુલમેવા-મિષ્ટાન ભરીને કન્યાને તેમાં સંતાડીને પોતાના આંગણામાં મુક્યો હતો તેની ઉપર ગરૂડજીની નજર પડે છે એટલે તે ટોપલો ઉપાડીને લઇ જાય છે અને જે નિર્જન ટાપુ ઉપર વરરાજાને ઉઠાવીને લઇ જઇને મુક્યો હતો તે વરરાજાની સામે ટોપલો મૂકે છે.

આ બાજુ ભૂખથી વ્યાકુળ વરરાજાએ પોતાની સામે ભોજન સામગ્રી ભરેલો ટોપલો જુવે છે તો બાજની જેમ ટોપલામાં ભરેલ ભોજન સામગ્રી કાઢવાની શરૂ કરી તો ભોજન સામગ્રીની સાથે સાથે સોળ શણગાર સજેલી યુવતી કે જેને સાથે તેના લગ્ન થવાના હતા તેને જુવે છે.

ગરૂડજીને પણ આ જોઇએ નવાઇ લાગે છે અને તેમને નિશ્ચય થઇ જાય છે કે હરિ ઇચ્છા જ બળવાન છેપછી તો શુભ મુહુર્ત જોઇને ગરૂડજી જ પુરોહિતનું કર્તવ્ય નિભાવીને વેદમંત્રોથી વિધિપૂર્વક વિવાહ કાર્ય સંપન્ન કરીને વર-કન્યાને આર્શિવાદ આપીને તેઓના ઘેર પહોંચાડી દે છે. ત્યારપછી પ્રભુની પાસે જઇને સમગ્ર વૃતાંત જણાવીને કહે છે કે પ્રભુ..આપે સમગ્ર લગ્નના કાર્યો મારી પાસે જ કરાવડાવ્યા. ગરૂડજીની વાતો સાંભળીને ભગવાન મંદમંદ હસે છેએટલા માટે આપણું ધાર્યું થાય તો હરિકૃપા અને ના થાય તો હરિ ઇચ્છા સમજવી જોઇએ.

 

વિનોદભાઈ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *