Gujarat

શહીદોના બલિદાનને યાદ કરી ભારતને વિશ્વગુરુ બનાવવા દેશના યુવાધનને કુલપતિ પ્રો. ચેતન ત્રિવેદીની હાકલ  

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘મારી માટી મારો દેશ’ અભિયાન હેઠળ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કુલપતિશ્રી પ્રો.(ડો.)ચેતનભાઇ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને પંચપ્રણના શપથ લેવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિકસિત ભારતનું લક્ષ્ય, ગુલામીના દરેક નિશાનમાંથી સ્વતંત્રતા, આપણા વારસા પર ગર્વ, એકતા અને એકસૂત્રતા, નાગરિકોમાં ફરજની ભાવના વિગેરે સાથે વિદ્યાર્થીઓને આઝાદીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સાથે સાથે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના નવા બની રહેલા કેમ્પસમાં 75 જેટલા વૃક્ષોનું વાવેતર કરી ‘અમૃતવાટિકા’ નામકરણ કરવામાં આવ્યું હતું. કુલપતિશ્રી પ્રો.(ડો.)ચેતનભાઇ ત્રિવેદીએ ખુદે પંચપ્રણના શપથ તમામ વિદ્યાર્થીઓને લેવડાવ્યા હતા.

અધ્યક્ષસ્થાનેથી બોલતા કુલપતિશ્રી પ્રો.(ડો.)ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ભારત દેશ શહીદોનો દેશ છે, ઘણા બધા સ્વાતંત્ર્યવીરોએ પોતાનું બલિદાન આપી આપણને આઝાદી અપાવી છે ત્યારે આપણે આ મહામૂલી આઝાદીને ધ્યાને રાખી ભારતને વિશ્વગુરુ બનાવીએ અને આપણા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાર્થક કરીએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આપણા ભવ્ય વારસા ઉપર આપણને ગર્વ છે, સમગ્ર ભારતમાં એકતા અને એકસૂત્રતા જળવાઈ રહે અને વિકસિત ભારતનું લક્ષ્ય વહેલાસર સાર્થક થાય તે માટે ભારતનું યુવાધન નિષ્ઠાપૂર્વક અને કાર્યદક્ષતાથી પોતાની ફરજ નિભાવે તે આજના સમયની માંગ છે.

આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ડો. ડી. એચ. સુખડીયા, આસીસ્ટન્ટ રજીસ્ટ્રાર ડો.મયંક સોની, સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો.જયસિંહ ઝાલા, કોમર્સ ભવનના ડો.ભાવસિંહ ડોડીયા, લાઈફસાયન્સ ભવનના ડો.રાજેશ રવિયા, એન.એસ.એસ. કોઓર્ડીનેટર ડો.પરાગ દેવાણી, સમાજશાસ્ત્ર ભવનના તથા અન્ય ભવનના વિદ્યાર્થીઓ વિગેરે જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન મારી માટી મારો દેશ કાર્યક્રમના નોડલ ઓફિસર ડો.પરાગ દેવાણીએ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *