જામનગર જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત 'મારી માટી – મારો દેશ' કાર્યક્રમની
આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓમાં ગત તા.17
ઓગસ્ટના રોજ તાલુકાકક્ષાના કાર્યક્રમો દરેક તાલુકા મથકે યોજવામાં આવ્યા હતા અને 'મારી માટી- મારો દેશ' કાર્યક્રમની
દેશભક્તિ સભર માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકાઓના લાયઝન અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તથા પદાધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ, વડીલો,
યુવાનો, માતાઓ તથા બહેનોએ આ કાર્યક્રમમાં સહભાગી થઈ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ
આપી હતી.
તાલુકાદીઠ યોજાયેલ કાર્યક્રમોમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત
નગરજનોએ હાથમાં દીવો લઈ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબદ્ધતાના શપથ લીધા હતા. સ્થાનિક કક્ષાએ 75
વૃક્ષોનું વાવેતર કરી વસુધા વંદન થકી અમૃત વાટિકા તૈયાર કરવા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દેશ સેવામાં જોડાયેલા જવાનો તથા તેમના પરિવારોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરી વીર વંદના કરવામાં આવી
હતી. કાર્યક્રમના અંતે ધ્વજ વંદન કરી રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું.તાલુકાઓની મુખ્ય બજારોમાં નગરજનોએ યોજેલ વિશાળ
તિરંગા યાત્રાએ સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિમય બનાવ્યું હતું.આમ તાલુકા કક્ષાએ 'મેરી માટી- મેરા દેશ' કાર્યક્રમ રાષ્ટ્ર ભક્તિની
ભાવનાથી ઉજવણી કરવામાં આવી હતી.


