રક્ષાબંધન હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર છે જે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવતો હોઇ તેને શ્રાવણી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે જેને સમગ્ર દેશમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે.રક્ષાબંધન ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક છે.રક્ષાબંધનના દિવસે બહેન ફુલ ચોખા દિપક અને મીઠાઇથી પૂજાની થાળી શણગારી પોતાના ભાઇના કાંડા ઉપર રાખડી બાંધે છે.ભાઇની પૂજા કરી તેમને મીઠાઇ ખવડાવી રાખડી બાંધી તેમને શુભેચ્છા પાઠવે છે તો ભાઇ બહેનને જીવનભર રક્ષણ કરવાની ખાત્રી આપે છે.
રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન પોતાના ભાઇને રાખડી બાંધે છે.રાખડીને હાથના કાંડા ઉપર બાંધવાથી મણીબંધ બને છે.હાથના મૂળમાં ત્રણ રેખાઓ હોય છે જેને મણીબંધ કહે છે.ભાગ્ય અને જીવનરેખાનું ઉદગમસ્થાનને મણીબંધ કહે છે.આ ત્રણ રેખાઓમાં દૈહિક,દૈવિક અને ભૌતિક જેવા ત્રિવિધ તાપોમાંથી મુક્ત કરવાની શક્તિ હોય છે.
આ મણીબંધોના નામ બ્રહ્મા-વિષ્ણુ અને શિવ છે.તેવી જ રીતે શક્તિ-લક્ષ્મી અને સરસ્વતીનો અહીયાં સાક્ષાત સ્થાન હોય છે.જ્યારે અમે હાથના કાંડા ઉપર રક્ષાસૂત્ર બાંધીએ છીએ તો આ ત્રણ દોરાનું સૂત્ર ત્રિદેવ તથા ત્રિશક્તિને સમર્પિત થાય છે જેનાથી રક્ષાસૂત્ર ધારણ કરનારની તમામ રીતે રક્ષા થાય છે. આ રક્ષાસૂત્રને સંકલ્પપૂર્વક બાંધવાથી વ્યક્તિ ઉપર મારણ મોહન વિદ્વેષણ ઉચ્ચાટણ ભૂત-પ્રેત અને જાદુ-ટોનાની અસર થતી નથી.
શાસ્ત્રોનો મત છે કે રક્ષાસૂત્ર-રાખડી બાંધવાથી ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તથા ત્રણ દેવીઓ લક્ષ્મી પાર્વતી અને સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે.બ્રહ્માની કૃપાથી કીર્તિ, ભગવાન વિષ્ણુની કૃપાથી રક્ષા તથા ભગવાન શિવની કૃપાથી દુર્ગુણોનો નાશ થાય છે.લક્ષ્મી માતાની કૃપાથી ધન, દુર્ગામાતાની કૃપાથી શક્તિ અને સરસ્વતી માતાની કૃપાથી સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે.આમ રાખડી-રક્ષાસૂત્ર બાંધવાથી તમામ પ્રકારના સંકટો અને વિપત્તિઓમાંથી વ્યક્તિની રક્ષા થાય છે.ઘણીવાર રક્ષાસૂત્ર મંદિરમાં મનોકામનાની પૂર્તિ માટે પણ બાંધવામાં આવતી હોય છે.તેમાં સંકલ્પ સમાયેલો હોય છે.જો અમારા હાથ ઉપર રક્ષાસૂત્ર બાંધેલ હોય તો તેની પવિત્રતાનું ધ્યાન રાખવું જોઇએ.
સૌથી પહેલાં દેવરાજ ઇન્દ્રના પત્ની શચિએ વૃતાસુર સાથેના યુદ્ધમાં ઇન્દ્રદેવની રક્ષા માટે રક્ષાસૂત્ર બાંધેલ હતું, આમ જ્યારે પણ કોઇ યુદ્ધમાં જાય ત્યારે તેના કાંડા ઉપર રાખડી બાંધીને તેમની પૂજા કરવામાં આવે છે.બલીરાજાને ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યું હતું કે પોતે તેનાં રાજ્યની રક્ષા કરશે.વરદાન અનુસાર પ્રભુ વૈકુંઠ છોડીને બલિરાજા સાથે તેનાં રાજ્યની રક્ષા માટે પાતાળમાં જવું પડ્યું બીજી બાજું લક્ષ્મીમાતા વૈકુંઠમાં એકલાં પડી ગયાં.પ્રભુને વૈકુંઠમાં પરત કેવી રીતે લાવવા? આ પ્રશ્ન ઊભો થયો.નારદે લક્ષ્મીમાતાને એક ઉપાય બતાવ્યો તે અનુસાર શ્રાવણી પૂનમના દિવસે ર્માં લક્ષ્મી બલીના ઘરે જાય છે અને બલિરાજાને રાખડી બાંધે છે.બહેન જ્યારે રાખડી બાંધે ત્યારે ભાઇ પાસે જે કંઇ માગે તે આપવું જોઈએ એટલે બલીએ કહ્યું કે બહેન જે ઇચ્છા હોય તે માગો.લક્ષ્મીમાતાએ ભગવાન વિષ્ણુને તેમના વરદાનથી મુક્ત કરવા માંગણી કરી.આમ વૈકુંઠમાં ફરીવાર નારાયણ અને લક્ષ્મીનો મેળાપ થયો.
મેવાડની રાણી કર્માવતીએ હુમાયુને રાખડી મોકલી હતી અને તેને ધર્મનો ભાઈ માન્યો હતો આથી હુમાયુએ તેની રક્ષા કરવા માટે પોતાનું લશ્કર મોકલ્યું હતું.કુંતામાતાએ સાતકોઠા યુદ્ધમાં અભિમન્યુનો વિજય થાય તેવી ભાવનાથી તેને રાખડી બાંધી હતી.આ દિવસે બ્રાહ્મણો પોતાના યજમાનોને રાખડી બાંધી દક્ષિણા મેળવે છે આમ રક્ષાબંધન એ સામાજિક તહેવાર છે.
ઘણીવાર ઘરમાં લાવવામાં આવતી નવી વસ્તુઓની ઉપર પણ રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે તથા ઘરમાં પાલતું પશુઓ ગાય બળદને પણ રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે. પ્રાચીન સમયમાં હાથના કાંડા, પગ, કમર અને ગળામાં રક્ષાસૂત્ર બાંધવાની પરંપરાનું વૈજ્ઞાનિક અને ચિકિત્સક કારણ પણ છે.શરીર વિજ્ઞાન અનુસાર તેનાથી ત્રિદોષ વાત-કફ અને પિત્તનું સંતુલન બનેલું રહે છે.જુના વૈદ્ય અને ઘર-પરીવારના બુજુર્ગો હાથ, કમર, ગળામાં અને પગના અંગૂઠા ઉપર રક્ષાસૂત્ર બાંધતા હતા જે શરીરના માટે લાભકારક હતા.તેનાથી બ્લડપ્રેશર હાર્ટએટેક ડાયાબિટીસ અને લકવા જેવા રોગોમાં રાહત થતી હતી.
રાખડી બાંધવાથી તેની પવિત્રતા અને શક્તિશાળી બંધન હોવાનો અહેસાસ બનેલો રહે છે અને તેનાથી મનમાં શાંતિ અને પવિત્રતા બનેલી રહે છે.વ્યક્તિના મન અને મસ્તિષ્કમાં ખરાબ વિચારો આવતા નથી અને વ્યક્તિ ખરાબ રસ્તે જતો અટકે છે.

