મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના ખલાલ વાત્રક નદીના કાંઠે આવેલ વીરભદ્ર હનુમાનજી મંદિર ખાતે વર્ષ દરમિયાન અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે. વીરભદ્ર હનુમાન મંદિર ખૂબ જ પૌરાણિક છે અને અનેક લોકો આ મંદિરમાં આસ્થા ધરાવે છે અને દર્શનાર્થે આવતા હોય છે.વર્ષ દરમિયાન તમામ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ અહીં યોજાય છે સાથે સાથે ગણપતિ મહોત્સવ અને અંબાજી તથા ડાકોર પગપાળા જતા સંઘો પણ હનુમાનજી મંદિરે રોકાણ કરતા હોય છે અને મંદિર દ્વારા તેમને રહેવા તેમજ જમવાની સગવડ પણ કરવામાં આવતી હોય છે.મહંત યોગેશદાસજી મહારાજ દ્વારા વીરભદ્ર હનુમાન મંદિર ખાતે વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાય છે.હાલ શ્રાવણ માસ ચાલતો હોઈ વીરભદ્ર હનુમાન મંદિર ખલાલ ખાતે આજુબાજુની 10 થી વધુ શાળાના 1500થી વધુ બાળકો માટે ભોજન પ્રસાદીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ખૂબ જ ઉત્સાહપૂર્વક દાળ,ભાત,લાડુ અને શાકનો ભોજન પ્રસાદ નો લાહ્વો વિદ્યાર્થીઓ એ લીધો હતો.

