*જામનગરમાં ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ઓરલ કેન્સર માટે ચેકઅપ કાર્યક્રમ યોજાશે*
*જામનગર તા.28 ઓગસ્ટ,* જામનગરની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ઓરલ કેન્સર એટલે કે મોઢાનું કેન્સર માટે સ્ક્રીનીંગ કાર્યક્રમ આગામી તા.01 સપ્ટેમ્બરના સવારે 09:00થી બપોરે 01:00 કલાક દરમિયાન ઓરલ મેડિસિન અને રેડિઓલોજી વિભાગમાં રાખવામાં આવ્યો છે.
જેમાં, દર્દીઓની તપાસ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા અને ઓરલ મેડિસિન અને રેડિઓલોજી વિભાગના વડા અને પ્રાધ્યાપક શ્રી ડો.રીટા એન.ઝા ના માર્ગદર્શન હેઠળ ખાસ પ્રકારના અદ્યતન મશીન ‘VELESCOPE’ દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ડીન શ્રી ડો.નયના પટેલની દેખરેખ હેઠળ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ ચેકઅપ દરમિયાન કોઈપણ પ્રકારનો દુ:ખાવો થતો નથી. તેમજ તેની કોઈ આડ-અસર થતી નથી. આ પ્રકારની તપાસથી મોઢાના કેન્સરનું ઝડપી રીતે નિદાન થઈ શકે છે. જેથી સારવારની સફળતાનું પ્રમાણ વધારી શકાય છે. જામનગરની જાહેર જનતાને મહત્તમ રીતે આ કેમ્પનો લાભ મેળવવા માટે ડીન શ્રી ડો.નયના પટેલ, ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

