જસપ્રિત બુમરાહ વિરલ બોલર છે અને પેઢીમાં એકાદ વાર જ આ પ્રકારનો બોલર મળી રહેતો હોય છે ત્યારે તેણે કારકિર્દી લંબાવવી હોય તો ક્રિકેટના તમામ ફોર્મેટમાં રમવું જાેઇએ નહીં જેથી તે ઇજાથી બચી શકે તેમ શ્રીલંકાના મહાન ઝડપી બોલર ચમિન્ડા વાઝનું માનવું છે. ચમિન્ડા વાઝે જણાવ્યું હતું કે ભારતીય ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારોએ સાવચેતીપૂર્વક બુમરાહ માટે એક ફોર્મેટ નક્કી કરવું જાેઇએ અને તેના વર્કલોડ મેનેજમેન્ટ અંગે એક ચોક્કસ રણનીતિ ઘડવી જાેઇએ.
તેણે ઉમેર્યું હતું કે બુમરાહ જેવા ખેલાડી પાસે અનન્ય બોલિંગ એક્શન છે. આ પ્રકારની વૈવિધ્યતા ધરાવતા બોલરનું આપણે રક્ષણ કરવું જાેઇએ. આ માટે આપણે યોગ્ય ફોર્મેટ નિશ્ચિત કરવાની જરૂર છે અને તેને ધ્યાનમાં રાખીને જ નીતિ અપનાવવી જાેઇએ. બુમરાહ જેવી અસામાન્ય પ્રતિભા ધરાવતા બોલર માટે ખાસ નીતિ ઘડીને તથા તેની ક્રિકેટ કારકિર્દીનું યોગ્ય રીતે જતન કરીને તેની અલગ પ્રકારની બોલિંગ એક્શનનું ધ્યાન રાખવું જાેઇએ જેથી તે પ્રકારના બોલરની કારકિર્દી લંબાવી શકાય તેમ વાઝે રજૂઆત કરી હતી.

