અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ૪૮ મ્યુનિ. શાળાઓમાં વોર્ડ સ્તરની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ
***
૪૮ વોર્ડના ૨૮૮ વિજેતાઓ હવે ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે
**
આગામી ૨૩ ડિસેમ્બરે શહેરના ૭ ઝોનમાં ઝોન કક્ષાની સ્પર્ધા યોજાશે
**
ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ સૂર્ય નમસ્કાર સ્પર્ધા ૨૦૨૩-૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી તા.૧૯ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ દરમિયાન સમગ્ર રાજ્યમાં વિવધ સ્તરે સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓનું આયોજન કરાયું છે.
આ અંતર્ગત તાજેતરમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં વોર્ડ અને ગામ સ્તરની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ભાગ લીધો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અમદાવાદ સ્કૂલ બોર્ડની ૪૮ જેટલી શાળામાં વોર્ડ સ્તરની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ૨૮૮ જેટલા લોકો વિજેતા થયા હતા.
વોર્ડ કક્ષાના વિજેતા સ્પર્ધકો પૈકી શ્રેષ્ઠ પ્રદર્શનમાં ૯થી ૧૮ વર્ષમાં ૫ મિનિટમાં ૨૭ સૂર્ય નમસ્કાર, ૧૯થી ૪૦ વર્ષમાં ૫ મિનિટમાં ૨૮ સૂર્ય નમસ્કાર, ૪૧ વર્ષથી વધુમાં ૫ મિનિટમાં ૨૮ સૂર્ય નમસ્કાર કરી હવે પછી ઝોન કક્ષાની સ્પર્ધામાં તા.૨૩ ડિસેમ્બરના રોજ ૪૮ વોર્ડના ૨૮૮ વિજેતા શહેરના ૭ ઝોનના સ્થળોએ ઝોનકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
આ સ્પર્ધા હવે અલગ અલગ ઝોનમાં સ્કૂલ બોર્ડની શાળામાં યોજવામાં આવશે. જેમાં સેન્ટ્રલ ઝોનની સ્પર્ધા પ્રિતમપુરા ગુજરાતી શાળા નં.૩માં, ઈસ્ટ ઝોનની સ્પર્ધા અમરાઈવાડી શાળા નં. ૧૬માં, નોર્થ ઝોનની સ્પર્ધા એસ.આર.પી. શાળા નં.૨ કૃષ્ણનગરમાં, નોર્થ વેસ્ટ ઝોનની સ્પર્ધા સોલા પ્રાયમરી સ્કૂલ સોલા ગામમાં જ્યારે સાઉથ ઝોનની સ્પર્ધા બહેરામપુરા શાળા નં.૨૨માં તથા સાઉથ વેસ્ટ ઝોનની સ્પર્ધા મકરબા પ્રાયમરી સ્કૂલ ખાતે અને વેસ્ટ ઝોનની સ્પર્ધા રાણીપ પગાર કેન્દ્ર શાળા રાણીપ ખાતે યોજાશે.