Gujarat

સ્વતંત્રતા સેનાની દેશભક્ત વિરાંગના પૂ.રંભાફઈબા ગણાત્રા.

     આપણે 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ મહામૂલી આઝાદીના અનેક લડવૈયાઓ ને આપણે ઓળખીએ છીએ પરંતુ આપણા દેશની આઝાદીમાં અનેક વીર પુરુષો અને સ્ત્રીઓએ યોગદાન આપ્યું છે. તો ચાલો આજે આપણે જામનગર જિલ્લાના જોડિયા ગામના વતની એવા એક વિરાંગના નો પરિચય મેળવીએ કે જેઓ દેશદાઝ અને માનવસેવાનો ઉત્તમ નમૂનો છે.
   રાજ્યના ગાંધીવાદી વિચારસરણી ધરાવતા સ્ત્રી સ્વાતંત્ર્ય સેનાની એવા રંભાબેન માધવજીભાઈ સુખપરિયા (ગણાત્રા) કે જેઓ ‘ફઈબા’ ના હુલામણા નામથી પણ ઓળખાય છે. જોડિયામાં રહેતા નારાયણજી ગણાત્રા ને ત્યાં રંભાબેન નો જન્મ 23 સપ્ટેમ્બર ઇ.સ. 1893 ના રોજ થયો હતો. તેમના માતાનું નામ પાનબાઈ હતું. પ્રાથમિક અભ્યાસ જોડિયામાં જ પૂર્ણ કરનાર રંભાબેનમાં આધ્યાત્મિકતા અને સાદગી પૂર્ણ જીવનના સદગુણ માતા પિતા માંથી ઉતર્યા હતા.
         ઇ.સ.1908માં નાની વયે જોડિયા નિવાસી માધવજીભાઈ નકારામભાઈ સુખપરિયા સાથે લગ્ન બાદ તેઓ માત્ર 19 વર્ષની યુવાન વયે વિધવા થતા પિતૃગૃહે પાછા ફર્યા હતા. મોટાભાઈ કરાંચીમાં વ્યવસાય કરતા હોય રંભાબેન પણ કુટુંબ સાથે કરાંચીમાં સ્થાયી થયા હતા. કરાંચી વસવાટ દરમિયાન જ તેમને સ્વતંત્રતા સંગ્રામનું પગથિયું સર કર્યું હતું. શરૂઆતમાં પોતાના ભાઈ હીરાલાલ સાથે તેઓએ જ્ઞાતિ સુધારણા ની કામગીરી હાથ ધરી. ભાઈ હીરાલાલ કરાંચીના નાયબ મેયર બન્યા. ભાઈના દરેક કાર્યમાં તેઓ સાથે રહેવા લાગ્યા હતા.
      ભાઈ સાથે કાર્ય કરવાથી તેઓ અનેક મહાનુભાવોના પરિચયમાં આવ્યા,પરિણામે તેઓ ગાંધીવાદી વિચારસરણીથી રંગાયા અને દેશને આઝાદી અપાવનારી પ્રવૃત્તિઓમાં ઝંપલાવ્યું.ઇ.સ.1930 માં કોંગ્રેસનું અધિવેશન કરાંચીમાં ભરાયું હતું.ગાંધીજીએ આ અધિવેશનમાં હાજરી આપી હતી અને રંભાબેન પણ પોતાના ભાઈ હીરાલાલ સાથે અધિવેશનમાં હાજર હતા.ગાંધીજીએ સભા પૂરી થયા બાદ ત્યાં હાજર બહેનોને સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિઓમાં જોડાવા આહવાન કર્યું અને ત્યાં રહેલી બહેનોમાંથી સૌથી પહેલું નામ રંભાબેને લખાવ્યું હતું અને ત્યારથી જ પોતાના સમગ્ર જીવનને ગાંધીવાદી વિચારસરણીને રંગે રંગીને સમાજ અને રાષ્ટ્રના ચરણોમાં અર્પિત કરી દીધું હતું.
     ત્યારથી ગાંધીજીના આદેશ અને માર્ગદર્શન હેઠળ તેઓએ કરાંચીમાં દારૂ તથા વિદેશી માલના પેકેટિંગનો બહિષ્કાર તથા સ્ત્રી જાગૃતિ વગેરે જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરી.ઈ.સ.1932 માં રંભાબેને કરાંચીમાં દારૂ તથા વિદેશી માલના પેકેટિંગ તેમજ બહિષ્કારની પ્રવૃત્તિઓમાં મહિલા ટુકડીની આગેવાની લીધી. પરિણામે બ્રિટિશ સરકારે તેમની ધરપકડ કરી અને તેઓને છ માસની જેલની સજા ફટકારી. જેલવાસમાં તેઓને ઘણા કષ્ટો સહન કરવા પડ્યા હતા.જેલમાં થતા અન્યાયો સામે રંભાબેને જેલના સતાધીશો સામે ભૂખ હડતાલ પણ ચલાવી હતી. આમ, કરાંચીમાં તેઓએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય ભાગ લીધો. આ વર્ષો દરમિયાન તેઓએ ખાદી અપનાવી સ્વદેશી ભાવનાદ આત્મસાત કર્યો હતો અને કરાંચીની અનેકવિધ રાજકીય, મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિઓ, સામાજિક,શૈક્ષણિક,સાંસ્કૃતિક એમ અનેકવિધ ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃત્તિઓ અગ્રેસર રહીને કરી હતી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગ્રેસર ભાગીદારી બદલ સ્વતંત્રતાના 25માં વર્ષે પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ 15 મી ઓગસ્ટ ઈ.સ. 1972 ના રોજ શ્રીમતી રંભાબેન માધવજી સુખપરિયાને તામ્રપત્ર ભેટ કરી સન્માનિત કર્યા હતા.
      15મી ઓગસ્ટ, ઈ.સ.1947ના રોજ ભારત આઝાદ થતાં ભારત-પાકિસ્તાનના ભાગલા પડતા રંભાબેન પિતૃ પરિવાર સાથે માદરે વતન જોડિયા પરત ફર્યા અને ત્યાં સ્થાયી થઈ વતનનું ઋણ અદા કરવા અને સ્ત્રીઓની સ્થિતિ સુધારવાના આશયથી સ્ત્રી ઉત્કર્ષ માટે રૂપિયા 875 નો ફાળો ગામમાંથી મેળવી હાલની ‘સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા’ની સ્થાપના ઈ. સ.1950 માં જોડીયા મુકામે કરી. સ્ત્રીઓના જીવનમાં શિક્ષણ, સંસ્કાર,સેવા,સ્વાવલંબન અને પવિત્રતાના અંજવાળા પાથરતી આ સંસ્થા આજે તો બાલવાડી, માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શાળા, કન્યા છાત્રાલય,મહિલા તાલીમ વિકાસ કેન્દ્ર,કમ્પ્યુટર તાલીમ વર્ગો,વ્યવસાયલક્ષી તાલીમ વર્ગો, સર્વ રોગ નિદાન કેમ્પો,મહિલા શિબીરો જેવી સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતી વટ વૃક્ષ સંસ્થા બની ચૂકી છે.
   આમ, નાની વયે સ્વતંત્રતા સંગ્રામમાં જોડાનાર વિરાંગના રંભાફઈબાએ સ્વતંત્રતા બાદ પણ અનેક સેવા પ્રવૃત્તિઓ હાથ ધરી હતી .સ્વાતંત્ર્ય સેનાની એવા રંભાબેન 22 ડિસેમ્બર ઇ.સ.1989 ના રોજ 96 વર્ષની વયે પોતાની માતૃસંસ્થા હુન્નર શાળામાં જ પ્રભુચરણ પામ્યા હતા.પરંતુ તેઓએ જલાવેલ દિપકની જ્યોત આજ સુધી ‘હુન્નર શાળા’ મા સેવાકિય પ્રવૃત્તિઓ રૂપે પ્રજ્વલિત રહી તેઓના કાર્યોની સાક્ષી પૂરી રહી છે. ઉપરોક્ત અનસંગ હીરો વિશે માહિતી નું સંકલન શ્રી હડિયાણા કન્યાશાળા ના શિક્ષિકા શ્રી બારૈયા દેવાંગીબેન એમ દ્વારા કરવામાં આવ્યું છે..

IMG-20240124-WA0079-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *