Gujarat

દ્વારકા જતા પદયાત્રિકોના બેગ પર રેડિયમ સ્ટિકર લગાવી ખાખીએ માનવ ધર્મ નિભાવ્યો

પોલીસે પદયાત્રિકોને ઠંડી છાશ પીવડાવી ભાવથી વિદાય આપી કાયદાનું કડકાઇથી પાલન કરાવતી પોલીસે પદયાત્રીકોની સલામતી અને સેહતની પણ ચિંતા કરી હતી. ટંકારા હિંદુ ધર્મમા ધૂળેટી પર્વે રંગે રમવાનુ અદકેરું મહત્વ છે. તેમા પણ ભગવાન દ્વારકાધીશ સાથે ધૂળેટી પર્વે રંગે રમવા દ્વારકા મંદિરે હરિ ભક્તો પદયાત્રા કરીને દ્વારકા પહોંચે છે.

હાલ હજારો પદયાત્રીઓ પગપાળા દ્વારકા ખાતે જઈ રહ્યા છે. ત્યારે ટંકારા પોલીસ પણ પગપાળા જતા આસ્થાળુઓની ભક્તિ, ધર્મ પ્રત્યેની લાગણી જોઈ હરિભક્તોની સેવા કરી પોતાનો ધર્મ પ્રત્યેનો લગાવ વ્યક્ત કરવા ટંકારાના હાઈવે પર દયાનંદ ઓવરબ્રિજ ખાતે કેમ્પ યોજી પદયાત્રીઓના ખભે ટીંગાતી બેગ અને વસ્ત્રો પર રેડીયમ સ્ટીકર લગાવવા ઉપરાંત, ધોમધખતા તડકામા ચાલતા જતા યાત્રિકોને રાહત આપવા ઠંડી છાસનું વિતરણ કરી કર્મ સાથે ધર્મ કાર્ય થકી સરાહનીય કામગીરી કરી હતી.

ટ્રાફિકથી ધમધમતા હાઈવે પરથી પસાર થતા પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને લઈ ટંંકારા પોલીસ સબ ઈન્સ્પેકટર એમ.જે. ધાંધલ અને પોલીસ સ્ટાફના પ્રવીણભાઈ મેવા, મયુરભાઈ ઝાંપડા, સોયબભાઈ, હોમગાર્ડ જવાન અરૂણ પરમાર, ગીરીશભાઈ પંડ્યા સહિતનાઓને માનવધર્મ ઉજાગર કરવાની લાગણી જન્મી હતી અને ભક્તોને છાસ વિતરણ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે ઉક્તિ યથાર્થ ઠેરવી હતી.