Gujarat

સુરતમાં હાર્ટની તમામ સારવાર-સર્જરી થશે, સિવિલની કિડની બિલ્ડિંગમાં કેથલેબ અને કાર્ડિયાક સેન્ટર શરૂ કરવાની તૈયારી

સુરતની નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં કેથલેબ સાથે હાર્ટની સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ શરૂ કરવામાં આવશે. કિડની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કેથલેબ શરૂ થશે. આ સાથે ચોથા માળ પર કાર્ડિયાક સેન્ટર શરૂ કરવામાં આવશે, જેમાં હૃદય સંબંધિત તમામ રોગોની સારવાર અને સર્જરી કરવામાં આવશે. આનાથી હૃદયરોગના દર્દીઓએ અમદાવાદ અને મુંબઈ જેવા મોટા શહેરોમાં જવું પડશે નહીં અને ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયા ખર્ચવા પડશે નહીં.

અમદાવાદની યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ સાથે જોડાણ કર્યું

કેથલેબ સુવિધા શરૂ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બે કાર્ડિયોલોજિસ્ટ અને બે ટેકનિશિયનની કાયમી નિમણૂક માટેની દરખાસ્ત ગાંધીનગર મોકલી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગે આ માટે અમદાવાદની યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ સાથે જોડાણ કર્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર દર્દીઓને હૃદયને લાગતા ગંભીર રોગોની સારવાર એક જ જગ્યાએ મળી શકશે. હાલમાં આ સુવિધાઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છે.

40 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી

ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલા રાજ્ય સરકારના બજેટમાં ગાંધીનગર, રાજકોટ અને સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે 40 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ કાર્ડિયાક સેન્ટર સુરતની સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં કાર્ડિયાક સેન્ટર બનાવવાની વાત ઘણા વર્ષોથી ચાલી રહી હતી.

6 સુપર સ્પેશિયાલિટી વિભાગોની માગણી

હાલમાં અમદાવાદની યુએન મહેતા સંસ્થા દ્વારા નવનિર્મિત કાર્ડિયાક સેન્ટરનું સંચાલન કરવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હૃદય, કિડની, લીવર અને મગજ જેવા અંગોના ગંભીર રોગોની સારવાર અને સર્જરી માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. યુએન મહેતા હાર્ટ હોસ્પિટલના પરિસરમાં જ છે. સુરત સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ પાસેથી 6 સુપર સ્પેશિયાલિટી વિભાગોની માગણી કરવામાં આવી હતી.

બે કાર્ડિયોલોજિસ્ટ અને બે ટેકનિશિયનની માગણી

સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કેથલેબ અને ચોથા માળે કાર્ડિયાક સેન્ટર શરૂ કરવામાં આવશે. હૃદય સંબંધિત તમામ રોગોની સારવાર અને સર્જરી કરવામાં આવશે. અમે બે કાર્ડિયોલોજિસ્ટ અને બે ટેકનિશિયનની માગણી કરી છે. ટૂંક સમયમાં ગાંધીનગરથી તેની મંજૂરી મળી શકે છે. જલદી તેની ભરતી થશે.

દક્ષિણ ગુજરાતના હાર્ટને લગતા દર્દીઓને રાહત થશે

વધુમાં જણાવ્યું હતું કે, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અચાનક બેભાન થઈ જવાથી મોતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ઘણા કેસોમાં હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવે છે. સુરત સિવિલ હોસ્પિટલમાં કેથલેબ સહિતની સુવિધા શરૂ થતા દક્ષિણ ગુજરાતના હાર્ટને લગતા દર્દીઓને રાહત થશે અને અમદાવાદ અને મુંબઈ સુધી ધક્કો ખાવા નહીં પડે.