Gujarat

વડોદરાના મોબાઇલ બજાર મરીમાતાના ખાંચામાં દબાણ શાખા ત્રાટકી, સ્થાનિકોની રવિવારે બજાર બંધ રખાવવા માંગ

વડોદરાના રાજમહેલ રોડ ઉપર મરીમાતાના ખાંચા સ્થિત મોબાઇલ બજાર સ્થાનિક લોકો માટે ત્રાસરૂપ બન્યું છે. અનેક વખત રજૂઆતો બાદ આજે પાલિકાની દબાણ શાખા વોર્ડ ઓફિસની ટીમ અને ટ્રાફિક પોલીસની મદદ લઇ ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, સ્થાનિક લોકોએ કામગીરીને અધૂરી ગણાવી હતી અને આ બજાર રવિવારે બંધ રહે એવી માંગ કરી હતી. સ્થાનિક લોકોએ ચીમકી આપી છે કે, રવિવારે બજાર બંધ રાખવામાં નહિં આવે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

વેપારીઓને દબાણ ન કરવા કડક સૂચના

વડોદરા કોર્પોરેશન માટે રાજમહેલ રોડ ઉપર આવેલ મરીમાતા ખાંચાનું મોબાઇલ ફોન બજાર માથાનો દુઃખાવા સમાન પુરવાર થઇ રહ્યું છે. જે રીતે મંગળ બજારમાં અનેક વખત દબાણો દૂર કર્યા પછી સ્થિતિ પૂર્વવત થઇ જાય છે. એવી જ સ્થિતિ મરીમાતાના ખાંચામાંથી દબાણો દૂર કરાયા બાદ સ્થિતિ પૂર્વવત થઇ જતી હોય છે ત્યારે આજે ફરી એકવાર કોર્પોરેશનની દબાણ શાખાએ વોર્ડ ઓફિસની ટીમ અને ટ્રાફિક પોલીસની મદદ લઇને દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને વેપારીઓને દબાણો ન કરવા માટે કડક સૂચના આપી હતી.

વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી

પાલિકાની કામગીરી સામે વેપારીઓ નારાજ

મરીમાતાના ખાંચામાં દુકાનદારો અને દુકાનોની આગળ ઉભી રહેતી લારીઓના કારણે ખાંચામાં રહેતા લોકોને નીકળવું પણ મુશ્કેલ થઇ ગયું છે. દબાણો દૂર કરવા માટે કરાયેલી રજૂઆતોના પગલે આજે દબાણ શાખા ટ્રાફિક પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી અને ટ્રાફિકને અડચણરૂપ લારીઓના દબાણો દૂર કર્યા હતા. એક તબક્કે વેપારીઓ દબાણ શાખા અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી ગયા હતા. વેપારીઓ ટોળે વળી ગયા હતા અને પાલિકાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.

લારીઓ જપ્ત કરવામાં આવી

કાયમી નિકાલ આવતો નથી

સ્થાનિક કૃણાલ આવલેએ જણાવ્યું હતું કે, આજે જે કામગીરી કરવામાં આવી છે તે યોગ્ય છે પરંતુ, આ કામગીરી અધૂરી છે. મરીમાતાના ખાંચામાં મોટાભાગે મોબાઇલ ફોનનો ડુપ્લિકેટ સામાન વેચાય છે. અનેક વેપારીઓ સામે પાયરસી ચીજવસ્તુઓ વેચવાના કારણે પોલીસ ફરિયાદો પણ થયેલી છે. અનેક વેપારીઓ પાસે પરવાના પણ નથી પરંતુ, તંત્ર સાથે સાંઠગાંઠ હોવાના કારણે મરીમાતાના ખાંચાનો દબાણના પ્રશ્નનો કાયમી નિકાલ આવતો નથી. આ મોબાઇલ બજાર રવિવારે બંધ રાખવામાં આવે એવી સ્થાનિકોની માંગ છે.

સામાન ખાલી કર્યો

ચૂંટણી બહિષ્કાર અને આંદોલનની ચીમકી આપી

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હવે પછી આ બજાર રવિવારે બંધ રાખવામાં નહિં આવે તો તંત્રની કચેરી સામે ધરણાં ઉપર બેસીશું. એ તો ઠીક આગામી લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું. મોબાઇલની દુકાનના સંચાલકો દ્વારા લટકણીયા લટકાવીને તેમજ બોર્ડો મૂકીને દબાણો કરવામાં આવી રહી છે. પોળમાં આડેધડ લારીઓ ઉભી કરી દેવામાં આવે છે. જેના કારણે લોકોને પોળમાંથી નીકળવું મુશ્કેલ થઇ ગયું છે.