Gujarat

સોનગઢના વડપાડામાં ડોર ટુ ડોર કચરા કલેક્શન શરૂ

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની વડપાડા પ્ર. ઉંમરદા ગ્રામ પંચાયતમાં બુધવારે ‘ડોર ટુ ડોર’ કચરા કલેક્શન અભિયાન શરૂ કરાયું હતું. આ પહેલ ‘સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)’ યોજના અંતર્ગત હાથ ધરવામાં આવી છે, જેનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવાનો છે. આ અભિયાનમાં પર્યાવરણને અનુકૂળ ઈ-રિક્શા કચરા વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગામના દરેક ઘરેથી કચરો એકત્રિત કરવાની કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

કચરાના યોગ્ય નિકાલ માટે ઘરોમાંથી જ ભીનો કચરો અને સુકો કચરો અલગ-અલગ એકત્રિત કરવામાં આવ્યો હતો. આનાથી કચરાનું યોગ્ય પ્રોસેસિંગ કરી શકાશે.

આ સફાઈ ઝુંબેશમાં વડપાડા પ્ર. ઉંમરદા ગામના સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગ્રામજનોએ પોતાના ઘરના કચરાનું વર્ગીકરણ કરીને વાહનમાં આપ્યું હતું, જે સ્વચ્છતા પ્રત્યે તેમની જાગૃતિ દર્શાવે છે. ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલથી ગામમાં કચરાના યોગ્ય નિકાલ અંગે જાગરૂકતા વધી છે. ‘ડોર ટુ ડોર’ કચરા કલેક્શનથી ગંદકી અને રોગચાળો અટકાવવામાં મદદ મળશે, તેમજ ગામને સ્વચ્છ અને સુંદર બનાવવામાં સહાયક બનશે.