Gujarat

ઉચ્છલ હાઇવે પર ST બસ-કન્ટેનર કાદવમાં ફસાયા

તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર હાઇવે પર એક અકસ્માત સર્જાયો હતો. ઉચ્છલના ટોકરવા ગામ નજીક રોડ પર ચીકણા પદાર્થને કારણે સુરતથી નિઝર-નંદુરબાર જતી એસ.ટી. બસ અને એક કન્ટેનર કાદવમાં ફસાયા હતા. આ ઘટનામાં એક બાઇકનો કચ્ચરઘાણ થયો, જોકે ચાલકનો આબાદ બચાવ થયો હતો. એક જ દિવસમાં આ રોડ પર કુલ 8 અકસ્માતો થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, કન્ટેનર (રજી.નં. MH 39 C 1631) અને ગુજરાત એસ.ટી. બસના ચાલકોએ વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. રોડની નબળી સ્થિતિ અને ચીકણા પદાર્થને કારણે બંને ભારે વાહનો રોડની બાજુમાં આવેલા ઊંડા કાદવમાં ફસાઈ ગયા હતા, જેના કારણે હાઇવે પર થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.

આ જ અરસામાં, રોડની સાઇડ પર ઊભેલી એક મોટરસાઇકલ પર કન્ટેનર બેકાબૂ બનીને ચઢી ગયું હતું. આના કારણે બાઇકને ભારે નુકસાન થયું, પરંતુ બાઇક ચાલકે સમયસર બાઇક છોડીને બાજુ પર કૂદી જતાં તેનો આબાદ બચાવ થયો.

સુરતથી મુસાફરોને લઈને નિઝર-નંદુરબાર તરફ જઈ રહેલી એસ.ટી. બસ પણ કાદવમાં ફસાઈ જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મુસાફરોએ ચીસાચીસ કરી, પરંતુ સદનસીબે બસ પલટી ખાવાથી બચી ગઈ અને તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જણાયું છે. આ ઘટના અંગે વધુ વિગતો સામે આવી છે કે, રોડ પર કોઈ ચીકણું પદાર્થ (ઓઇલ કે ડામર) ફેલાઈ ગયું હતું, જેના કારણે સપાટી અત્યંત ચીકણી બની ગઈ હતી. આ જ કારણોસર એક જ દિવસમાં બુરેલો સહિત કુલ 8 જેટલા અકસ્માતો સર્જાયા હતા.