Gujarat

ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં માર્ચ દરમિયાન 693 યુનિટ રક્ત એકત્રિત કરાયું, રક્તદાન કરવા અપીલ

ભુજ શહેર ખાતેની જીકે જનરલ હોસ્પિટલના બ્લડ બેન્ક દ્વારા વધુને વધુ રક્તદાતાઓ વર્તમાન સમયમાં આગળ આવે તેવી અપીલ કરવામાં આવી હતી.

રક્તદાન માટે અનુરોધ કરતા બ્લડ બેંકના હેડ ડો.જીજ્ઞાબેન ઉપાધ્યાયએ જણાવ્યું કે, વર્તમાન સમયગાળામાં ગરમી, ઉનાળુ વેકેશન, લગ્નગાળો અને ચુંટણીનો સમય હોતાં લોકોનું ધ્યાન રક્તદાન તરફ પણ દોરાય એ હેતુસર રક્તદાતાઓને અનુરોધ કરતાં તેમણે ઉમેર્યું કે, સામાજિક,ધાર્મિક સંસ્થાઓ અને ઉધોગગૃહો આગળ આવે તો જરૂરિયાતમંદ દર્દીઓની વ્હારે આવી લોહીની આવશ્યક્તા પૂર્ણ કરી શકાય.

ભુજ ખાતેની અદાણી સંચાલિત જી કે જનરલ સરકારી હોસ્પિટલમાં પ્રતિ મહિને જુદા જુદા લોહીના તત્વો સાથે રોજેરોજ સર્જરી, ઇમરજન્સી, સ્ત્રીરોગ, થેલેસેમીયાના દર્દીઓને લોહીની જરૂરિયાત ઊભી થતી હોવાથી રક્તદાન માટે આગળ આવવા વિનંતી કરવામાં આવી છે.

ગત માર્ચ મહિનામાં જી.કે.બ્લડ બેંક દ્વારા 693 યુનિટ રક્ત ભેગું કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિકે 381 યુનિટ અને કેમ્પ મારફતે 312 રક્ત થેલી એકત્રિત કરવામાં આવી હતી, એમ બ્લડ બેન્કના કાઉન્સેલર દર્શન રાવલે જણાવ્યું હતું.