રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડ દ્વારા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવેથી યાર્ડ જ ઘઉંની ખરીદી કરી ધરતીપુત્ર બ્રાન્ડના નામે સ્થાનિક બજારમાં વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.
ખેડૂતોને પૂરતા ભાવને ગ્રાહકોને વ્યાજબી ભાવે સારા ઘઉં મળી રહે તેવા હેતુથી આ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જો ઘઉંના વેંચાણને સારો પ્રતિસાદ મળશે તો આગામી દિવસોમાં તબક્કા વાઇઝ અન્ય જણસીનું વેંચાણ પણ યાર્ડની બ્રાન્ડના નામે શરૂ કરવામાં આવશે.
યાર્ડનો નવતર પ્રયોગ
રાજકોટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે, રાજકોટ માર્કેટ યાર્ડ ખેડૂતોના હિત અને ગ્રાહકોના સંતોષ માટે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં યાર્ડ પોતાની એક બ્રાન્ડ ઉભી કરી છે અને હરરાજીમાં ભાગ લઇ ઘઉંની ખરીદી કરી ત્યારબાદ તેનું વિણાટ કરી અને સ્થાનિક બજારમાં તેનું વેંચાણ શરૂ કરવામાં આવ્યું છે.
આ વેચાણ પડતર ભાવમાં ઓછા નફાથી કરવામાં આવી રહ્યું છે. ગ્રાહકોને સરળાથી સારી ગુણવતા વાળા ઘઉં મળે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળે તેવા ઉદ્દેશથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે.

નહીં નફો-નહીં નુકશાન ભાવ નક્કી કરાયા
વધુમાં તેમણે જણાવ્યું કે, ઘઉંનાં વેચાણમાં નફાને કોઇ મહત્વ અપાયું નથી. નહીં નફો-નહીં નુકશાન જેવા ધોરણે જ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. આજે પ્રથમ દિવસે મણના 680નો ભાવ નક્કી થયો હતો. ખરીદ ભાવની વધઘટ મુજબ વેચાણ ભાવમાં ફેરફાર થશે. આ સમયમાં લોકો બારે મહિનાના ઘઉં ખરીદતા હોય છે.
મોટા ભાગના લોકોને ક્વોલીટી વગેરેની ખાસ સમજ પડતી નથી. ત્યારે લોકો છેતરાઈ ન જાય તે માટે યાર્ડ દ્વારા ગુણવતાયુક્ત દેશી ઘઉં વેચાણમાં મુકવામાં આવ્યા છે. અને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

યાર્ડમાં વિવિધ 37 જેટલી જણસીઓ આવે
રાજકોટ યાર્ડમાં વિવિધ 37 જેટલી જણસીઓ આવે છે, ત્યારે આ પહેલ સફળ રહેવાના સંજોગોમાં આવતા દિવસોમાં વધુ સીઝનલ ચીજો પણ વેચાણમાં મુકવાનો નિર્ણય લેવાશે. આજે ઘઉંનું વેચાણ શરુ કરતા પૂર્વે નારીયેળ વધેરવામાં આવ્યું હતું અને પવિત્ર છાંટણા કરાયા હતા. મોટી સંખ્યામાં લોકો યાર્ડ દ્વારા વેચવામાં આવતા આ ઘઉં લેવા પહોંચ્યા હતા. અને પ્રથમ દિવસે જ યાર્ડ દ્વારા કરવામાં આવેલી પહેલને સારો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં અન્ય જણસીઓ પણ યાર્ડ દ્વારા આવી રીતે વેચવામાં આવે તેવી શક્યતા છે.


