વિનોદભાઈ અને શારદાબહેન એકલા રહે. બે દિકરા, બંન્નેને ભણાવી ગણાવી વિદેશમાં સ્થાયી કર્યા. આખી જિંદગીની પૂંજી તેના ઉછેરમાં અને અભ્યાસ પાછળ ખર્ચી નાખી. આજે પોતાનું કહી શકાય એવું એક માત્ર તેં રહે એ ઘર બાકી હતું અને થોડું ઘણું પેન્શન આવે તેમાંથી જીવન નિર્વાહ ચાલતો હતો. શરુઆતમાં છોકરાઓ તરફથી થોડીઘણી મદદ મળતી ત્યાર પછી તો ફોન કરીને કોઈને વાત કરવાનો કે ખબર પૂછવાનો પણ સમય ના મળતો. વિનોદભાઈ પણ સ્વમાની હતાં. સામે ચાલીને દિકરાઓ પાસેથી પૈસા માંગે નહીં. ભલેને આ દંપતીના કોઈ ઝાઝા કે મોટા ખર્ચા નહોતા, પણ “તાવડી તેર વાના માંગે” એમ જીવન જરૂરી બધી જરૂરીયાતો તો ખરી જ ને! બધો નિભાવ પેન્શનમાથી જ કરવાનો હતો. લાઇટબીલ, ગેસબીલ, કરિયાણું, દવાના, વ્યવહારના ખર્ચા વગેરે….
શારદા બેન કરકસરિયા હતાં એટલે ગાડું ચાલ્યાં કરતું. વિનોદભાઈને શારદાબેન માટે અંદરથી ખૂબ દુ:ખ થતું, એક વસવસો રહેતો કે તે પોતાની પત્ની માટે કંઈ કરી શકયાં નહીં. હવે તો આ જિંદગીનો છેલ્લો પડાવ હતો. હવે તો તેનાં માટે કરું તો પણ શું કરી શકું! વિનોદભાઈ મનમાં એવો વિચાર કરતા. હવે તો શારદાબેનનું શરીર પણ જવાબ આપવા લાગ્યું હતું, અને બીમારી પણ ખરી જ, ડાયાબિટીસ, એસીડીટી, બ્લડપ્રેશર, મોતિયો, દાંતની તકલિફ, પીઠદર્દ, ઘૂંટણની તકલીફ હવે તો ઘરમાં બેસી રહેવા સિવાય કંઈ ના થાય! એક દિવસ વિનોદભાઈની આંખમાં ઝળઝળિયા આવી જાય છે.
શારદાબેનને પાસે બોલાવી ખૂબ પ્રેમથી કહે છે મારી પાસે બેસ, વિનોદભાઈ શારદાબેનનો હાથ હાથમાં લઈ કહે છે બોલ વ્હાલી તારી જે ઈચ્છા હોય તે હું આજે પૂરી કરીશ. તે મારી સાથે રહીને જિંદગીના ઘણા ચડાવ ઉતાર જોયા છે. કોઈ પણ પરિસ્થિતિમાં તે મારો સાથ નથી છોડયો. હું મારા પરના તારાં ૠણ બદલ ઘણો આભારી છું. શારદાબેન વિનોદભાઈ સામે એકીટશે જોતા રહ્યા, શારદાબેનને આજે જાણે આખી જિંદગીનો થાક ઉતરી ગયો હોય એવું લાગ્યું. અને કહેવા લાગ્યા એતો મારી ફરજ હતી! તમે આજે આ શું કહો છો!? કહેવા દે વ્હાલી આજે દિલ ખોલીને કહેવા દે, ફરી આ મોકો મળે ના મળે, મને આજે તારાં બધાં ૠણમાંથી મુક્ત થવા દે. બોલ તારી જે ઈચ્છા હશે તે હું પૂરી કરીશ. શારદાબેન બધાં દુ:ખો ભૂલી અને આજે પણ વિનોદભાઈની ઈચ્છા પૂરી કરવામાં સાથ આપે છે. અને કહે છે ચાલો ફિલ્મ જોવા જઈએ!
વિનોદભાઈ પાસે બચતનાં થોડા પૈસા હતાં આજે તે બધા પૈસા તે શારદાબેન પાછળ ખર્ચી નાખવાના મૂડમાં હતા. બંને ફિલ્મ જોવા જાય છે. આજે તેમને દુનિયાની કંઈ પરવા નથી હાથમાં હાથ નાખી નવપરિણીત યુગલની જેમ નીકળી પડે છે બંને ફિલ્મ જોવા. ત્રણ કલાક એક ધારું બેસી રહેવાનું, પણ આજે પીઠ દર્દ કયાં ગયું એ શારદાબેનને પણ ખબરના પડી! ફિલ્મ પૂરી થતા વિનોદભાઈ બોલ્યા ચાલ હવે બોલ શું કરું તારાં માટે? શારદાબેન બોલ્યાં ચાલો પીત્ઝા ખાવા જઈએ જિંદગીમાં જે નથી કર્યું તે બધું શારદાબેન કહેતાં હતાં. અને વિનોદભાઈ પણ તેની બધી ફરમાઈશ પૂરી કરવામાં પોતાનું સદનસીબ સમજતા હતા. બંને પીત્ઝા હટ્મા ગયાં. વિનોદભાઈ પીત્ઝાનો ઓર્ડર આપે છે. ઓ ભાઈ મારી વ્હાલી માટે પીત્ઝા લાવો. બધા અચંબિત થઈ ને તેની સામે જુએ છે, પણ આજે આ ડોસાડોસીને કંઈ ફરક પડતો નથી બંને એકબીજાને પ્રેમથી પીત્ઝા ખવડાવે છે. એસીડીટી ક્યાં ગઈ તેની પણ ખબર ના રહી.
અડધું મોઢામાં અને અડધું નીચે પડે છે, પીત્ઝા કરતા પણ એક બીજા માટે મળેલા અને સાથે ગાળતા આ કીંમતી સમયની ડોસોડોસી ખૂબ મજા માણે છે. આમ, પીત્ઝાનો પ્રોગ્રામ પણ પૂરો થાય છે. ફરી વિનોદભાઈ પૂછે છે બોલ વ્હાલી હવે શું કરું તારાં માટે? શારદાબેનની ફરમાઈશ પણ ખૂટતી નથી બોલ્યાં ચાલો આઈસ્ક્રિમ ખાવા જઈએ. વિનોદભાઈ બોલ્યા જી હુજુર ચાલો. બંને એક સાથે ખડખડાટ હસી પડે છે. આઈસ્ક્રિમ પાર્લરમાં જાય છે અને એક જ આઈસ્ક્રિમ મંગાવે છે. ડોસોડોસી ચપચપ કરતાં એક જ આઈસ્ક્રિમમાંથી આઈસ્ક્રિમ ખાય છે. આજે ડાયાબિટીસ પણ ભૂલાઈ ગયું, દવા પણ ભૂલાઈ ગઈ, જિંદગીની બધી કડવાશ પણ ભૂલાઈ ગઈ. ખૂબ આનંદથી આઈસ્ક્રિમ ખાય છે જાણે કે આજે ખબર પડી કે જિંદગીની મીઠાશ શું છે! અને જિંદગી શું છે!
વિનોદભાઈ બોલ્યા હવે ઘરે જઈએ? શારદાબેન નાના બાળકની જેમ નનયો ભણે છે, હમણાં નહીં હજી મારે સીનિયર સીટીઝનનાં બાકડે જઈને બેસવું છે અને તમારી સાથે ખૂબ ખૂબ વાતો કરવી છે. વિનોદભાઈ હસીને કહે છે જેવી તમારી આજ્ઞા, એમ બોલીને વિનોદભાઈ તેની લાગણીને વધાવી લે છે. બંને હાથમાં હાથ નાખી થોડીવાર આંટા મારે છે. શિયાળાની ૠતુ છે, રાતનો સમય થઈ ગયો છે એટલે ઠંડી થોડીથોડી વધતી જાય છે. હવે બંને બાંકડા પર બેસી આરામથી વાતો કરવા લાગે છે. ઠંડીના કારણે તેઓ ઘણાં નજીક અડકીને બેસે છે. બંનેને એક બીજાની હૂંફ મળે છે. શ્વાસને શ્વાસની ગરમી મળે છે. હાથમાં હાથ પરોવીને બેઠાં છે હાથના
સ્પર્શની ગરમી મળે છે. શારદાબેન
વિનોદભાઈના ખભા પર માથું ઢાળી આજે જાણે નિરાંતનો શ્વાસ લે છે. અત્યાર સુધી કરેલા ત્યાગનું જાણે ફળ મળી ગયું હોય એમ, એક સંતોષની અનુભૂતિ થાય છે. હવે શારદાબેનનાં મનમાં દિકરાવહુઓ માટે કે વિનોદભાઈ માટે કે જિંદગી માટે કોઈ ફરિયાદ નથી રહેતી. સંપૂર્ણ સંતોષ અને શાંતિની અનુભૂતિ કરે છે. લગ્નથી લઈને આજના સફર સુધીની મનભરીને બંને ઘણી વાતો કરે છે. પોતાની ફરજો પૂરી કરવામાં જ આખુ જીવન પસાર થઈ ગયું પણ કયારેય એ વિચાર ના આવ્યો કે આપણે આપણા માટે પણ સમય કાઢવો જોઈએ. પણ આજે જિંદગીના તમામ ઉભરા શાંત થઈ ગયાં. જિંદગીને ઘણું આપીને ઘણું ગુમાવ્યાનો વસવસો આજે મટી ગયો. શારદાબેન, વિનોદભાઈને તેના બધાં ૠણમાંથી મુકત કરીને વિનોદભાઈને હળવા ફૂલ કરી દે છે. જીવનનાં અંતિમ પડાવમાં પણ શારદાબેન એની ફરજ બજાવવાનું ચૂકતા નથી. બંને વાતો કરતા જાય છે. વાતો કરતાં કરતાં જ શારદાબેનની આંખ બંધ થઈ જાય છે. હાથ પગ ઠંડા પડવા લાગે છે, શારદાબેનનાં હાથનાં સ્પર્શની ગરમી ઓછી થવા લાગી હોય એવું વિનોદભાઈએ મહેસુસ થાય છે. પહેલાં તો એવું લાગ્યું કે મારી વ્હાલીને આજે થાકને લીધે ઝોકું આવી ગયું છે. પણ, બીજી જ ક્ષણે તેના મગજમાં એક ચમકારો થાય છે, એક ડર ઉત્પન્ન થાય છે, ને બેબાકળા બની શારદાબેનને પૂરા જોશથી હચમચાવી નાખે છે. અને એક કારમી ચીસ નીકળી જાય છે,
મારી વ્હાલી… મારી શારદા…!
ચીસ એટલી દર્દનાક હતી કે આજુબાજુમાં બેઠેલા તમામ ત્યાં દોડી આવે છે. વિનોદભાઈની એ દર્દનાક ચીસ પણ છેલ્લી ચીસ સાબિત થાય છે. વિનોદભાઈ પણ શારદાબેનની સાથે પરલોક સીધાવે છે. ત્યાં ઉપસ્થિત બધાંની આંખો આસુનો વરસાદ વરસાવે છે. પળેપળે રહ્યા બંને સાથે ને પૂરી થઈ સફર સાથે. વિનોદભાઈના મોબાઈલમાં પહેલો જ નંબર તેના પાડોશી રમેશભાઈ અને વિજયાબેનનો હતો. તેમાથી ટોળામાનાં એક વ્યક્તિએ તેમને ફોન કર્યો અને એડ્રેસ મંગાવ્યું. બંનેના મૃત દેહને ઘરે લઈ ગયાં. પાડોશી રમેશભાઈ પાસે વિનોદભાઈના દિકરાના ફોન નંબર હતાં એટલે તેને ફોન કરી માબાપનાં મૃત્યુનાં સમાચાર આપે છે. પણ અફસોસ, આજે પણ માબાપની અંતિમ વિધિમાં એ આવી નહીં શકે. રમેશભાઈ અને વિજયાબેન જ તેમની અંતિમયાત્રાની બધી તૈયારી કરે છે. પૂરા રીતરીવાજ સાથે તેમની અંતિમક્રિયા કરે છે.બસ છેલ્લે એક સવાલ થાય કે બદનસીબ કોણ માબાપ કે સંતાનો?
—કાજલબેન કાંજિયા.(નવસારી)

