Gujarat

પાંચ વર્ષમાં સૌથી વધુ 42.1 ડિગ્રી ગરમી, રાતનું તાપમાન પણ શિયાળાના દિવસ જેટલું 29 ડિગ્રી રહ્યું, આજે ગરમી 2 ડિગ્રી ઘટશે

ભારતીય મોસમ વિભાગે હીટવેવની કરેલી આગાહી વચ્ચે શહેરમાં બુધવારે 42.1 ડિગ્રી સાથે સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. વર્ષ 2019 પછી શહેરમાં 42.1 ડિગ્રી ગરમી નોંધાઇ છે. છેલ્લા 3 દિવસથી શહેરીજનો આગ ઓકતી ગરમીનો સામનો કરી રહ્યા છે. બુધવારે ગરમી વધુ બે ડિગ્રી વધી હતી. ગરમીનું પ્રમાણ વધતાં સતત ત્રણ દિવસથી રાત્રિનું તાપમાન પણ વધી રહ્યું છે.

બુધવારે રાતે 29 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેના કારણે દિવસની સાથે રાતે પણ લૂની અસર જોવા મળી હતી. સામાન્ય રીતે 28થી 30 ડિગ્રી તાપમાન શિયાળાની સિઝનમાં કોલ્ડવેવનના સમયે દિવસે નોંધાય છે, પરંતુ હાલમાં હીટવેવની અસરથી પહેલીવાર આ સિઝનમાં રાત્રિનો પારો 29 ડિગ્રી સુધી પહોંચ્યો છે. એટલે કે, શિયાળામાં કોલ્ડવેવના સમયમાં દિવસે નોંધાતી ગરમીનો હાલમાં રાતે જ અનુભવ થઇ રહ્યો છે. રાતે પણ ઉકળાટ-બફારો અને અસહ્ય ગરમી અનુભવાઇ રહી છે.

બીજી મહત્વની વાત એ છે કે, છેલ્લા 5 દિવસમાં મહત્તમ તાપમાનમાં 9 ડિગ્રી અને લઘુતમ તાપમમાનમાં 4.5 ડિગ્રીનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 42.1 ડિગ્રી અને લઘુતમ 29 ડિગ્રી નોંધાયું છે.

મંગળવાર કરતાં મહત્તમ તાપમાનમાં 2.1 ડિગ્રી અને લઘુતમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થયો છે. લૂવાળા સૂકાભઠ્ઠ પવનો ફૂંકાવાથી વાતાવરણમાંથી ભેજનું પ્રમાણ ઘટ્યું છે. સવારે ભેજનું પ્રમાણ 40 ટકા અને સાંજે 23 ટકા નોંધાયું હતું.

ત્રણ દિવસ ગરમી 40થી 42 નોંધાઈ પણ પાલિકાએ હીટવેવનું એલર્ટ આપ્યું જ નહીં

તાજેતરમાં જ પાલિકાએ હીટવેવ અંગે પરિપત્ર જારી કર્યો હતો, જેમાં એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય કક્ષાએથી મોકલવામાં આવતા હીટવેવને લગતા એલર્ટ લોકોને સાવધ કરવા માટે જણાવવામાં આવે તે અધિકારીઓ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે, જેથી હીટ સ્ટ્રોકના કેસને રોકી શકાય, પરંતુ છેલ્લા 3 દિવસથી સુરતમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધી બુધવારે 42 સુધી પહોંચ્યો છે છતાં પાલિકાએ હીટવેવ અંગે એકપણ દિવસ એલર્ટ જાહેર કર્યું નથી.

ઉલ્લેખનીય છે કે સોમવારે જ હીટવેવ એક્શન પ્લાન અંગેની મીટિંગ પણ યોજાઈ હતી, જેમાં પણ આ અંગે તાકીદ કરવામાં આવી હતી. મીટિંગમાં નક્કી થયા મુજબ શહેરમાં ગરમીનો પારો 38 ડિગ્રીથી વધે એટલે હીટવેવ કહી શકાય. તેનું કારણ એ હતું કે સુરત દરિયાકાંઠે આવેલું છે અને અહીં ભેજનું પ્રમાણ વધુ હોવાથી 37 ડિગ્રી ગરમી 40-41 જેટલી અનુભવાય છે.