Gujarat

ચૂંટણીનું રિઝલ્ટ ન આવે ત્યાં સુધી બંદૂક સરકારમાં જમા રહેશે, 5765 લોકોએ હથિયાર જમા કરાવ્યાં, 1096ને મુક્તિ

ચૂંટણી આચારસંહિતા લાગુ થતાં જ અમદાવાદ શહેર અને જિલ્લામાં બંદૂક, રિવોલ્વર, ગનનું લાઈસન્સ ધરાવનાર લોકોે હથિયાર જમા કરાવી દેવાના હોય છે. શહેર, જિલ્લામાં કુલ 6965 લોકો હથિયારનું લાઈસન્સ ધરાવે છે. અત્યાર સુધીમાં કુલ 5762 લોકોએ હથિયાર જમા કરાવ્યા છે. જ્યારે 1096 લોકોએ હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

ચૂંટણી પર ન થાય ત્યાં સુધી તેમના હથિયાર સરકારમાં જમા રહે છે. ઉપરાંત છેલ્લા ત્રણ મહિનામાં વિવિધ કારણોસર કુલ 82 લોકોના હથિયારના લાઈસન્સ રદ કરવામાં આવ્યા હતા.

જે લોકો વૃદ્ધ થઈ ગયા છે અથવા તો તેમના પર કોઈ કેસ નોંધાયો છે તેવી પરિસ્થિતિમાં તેમના લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે. જે લોકોએ હથિયાર જમા કરાવવાની મુક્તિ માગી હતી તેમના કારણોની સમીક્ષા કરીને અરજી માન્ય રાખવામાં આવી હતી.

હથિયાર જમા ન કરાવનારને સમન્સ પાઠવાય છે

એક ઉચ્ચ પોલીસ અધિકારીએ કહ્યું કે, જે લોકો હથિયાર જમા નથી કરાવતા તેમને મેસેજ કે કોલ કરીને જમા કરાવવા માટે કહેવામાં આવે છે. જો તેમ છતાં પણ તેઓ હથિયાર જમા ન કરાવે તો તેમને સ્થાનિક પોલીસ દ્વારા હથિયાર જમા કરાવવા માટે સમન્સ પાઠવવામાં આવે છે.

ઉપરાંત જે લોકોને સુરક્ષાની જરૂરિયાત નથી અથવા તો તેમની વિરૂદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી ચાલતી હોય તેવા કેસોમાં પણ હથિયારનું લાઈસન્સ રદ કરવામાં આવે છે. કોઈની સુરક્ષામાં, બેન્કમાં ગાર્ડ તરીકે નોકરી કરતા હોય તેમને જ હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે.