Gujarat

માથે ગરબા રાખી ચાચરચોકમાં ભક્તો ઝૂમ્યા, માતાજીના દર્શન કરી મંદિરના શિખરે ધજા ચડાવી ધન્યતા અનુભવી

શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો દૂર દૂરથી આવીને મા અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવતા હોય છે. ભાદરવી પૂનમ દરમિયાન લાખોની સંખ્યામાં પગપાળા સંઘો અને ધજાઓ લઈને મા અંબાના દર્શનાર્થે આવે છે.

ત્યારે ચૈત્રી નવરાત્રી દરમિયાન પણ મોટી સંખ્યામાં માઇભક્તો મા અંબાની ભક્તિ અને આરાધના કરવા કરતા જોવા મળતા હોય છે. ચૈત્રી નવરાત્રીનું પણ વિશેષ મહત્વ હોય છે અને ચૈત્રી પૂનમમાં પણ ભક્તો મોટી સંખ્યામાં માતાજીનો આશીર્વાદ લેવા અંબાજી આવે છે. આજે ચેત્રી પૂનમ અગાઉ ચૌદસના દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો અંબાજી મંદિરમાં જોવા મળ્યો હતો.

આજે ચૈત્રી સુદ ચૌદસના દિવસે મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના મંદિરે ઉમટી પડ્યા હતા. વેલી સવારથી જ ભક્તો સંઘો લઈને અને હાથોમાં ધજાઓ લઈને મા અંબાના મંદિરે પહોંચ્યા હતા. મા અંબાના મંદિરમાં પહોંચી ભક્તોએ ચાચર ચોકમાં ગરબા ઝૂમી માતાજીની આરાધના કરી હતી.

અનેકો માઇભક્તો મા અંબાના મંદિરે ધજા અને હવન સહિત ધાર્મિક કાર્યક્રમો કરી માતાજીને રીજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મા અંબાના નિજ મંદિરમાં પણ ભક્તોના જયકારથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. જય જય અંબેના નાદ સાથે મંદિરના ચારે બાજુ ભક્તિમય માહોલ છવાયો છે.

આવતીકાલે ચૈત્રી સુદ પૂનમ છે અને પૂનમને ધ્યાન રાખી આજે ચૌદસના દિવસે પણ મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના મંદિરે ઉમટ્યા હતા. મા જગતજનની અંબાના નિજ મંદિરમાં દર્શન કરી મંદિરના શિખરે ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી.