લોકસભા ચૂંટણીને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિપૂર્ણ મતદાન થાય તે હેતુથી અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ
લોકસભા ચૂંટણીના ત્રીજા તબ્બકામાં ૭ મે, મંગળવારના રોજ ગુજરાતમાં મતદાન યોજવાનું છે અને તેની સાથે અમદાવાદ શહેરમાં તેને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિપૂર્ણ મતદાન થાય તે હેતુથી અમદાવાદ પોલીસ કમિશ્નરશ્રી જી એસ મલિક દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ કરવામાં આવ્યું છે.
સાત મે ને મંગળવારના રોજ અમદાવાદ શહેરના ૬ હજાર પોલીસ કર્મીઓ, અધિકારીઓ,ITBP, CISF, BSF, SRPF સહિતની ટુકડીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે.
લોકસભા ચૂંટણીના પગલે ૧૦૩ વોન્ટેડ આરોપી અને ૪૨ હજાર જેટલા શખ્સો વિરૂદ્ધ અટકાયતી પગલાં લેવાયા છે. ગાંધીનગર- અમદાવાદ પૂર્વ-પશ્ચિમ અને ખેડા બેઠક માટે અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
હાલમા ૪ બેઠકના કુલ મતદાન બૂથ ૪૧૩૨ અને ૧૧૬૮ બિલ્ડિંગ છે. ૯૩૧ બૂથ ક્રિટિકલ છે. અમદાવાદમાં પોસ્ટલ બેલેટ ૧૨૫૬૧ છે, જેમાંથી ૧૦૨૬૬ પોસ્ટલ બેલેટથી મતદાન થઈ ચુક્યું છે. કાયદા-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસે નોન બેલેબલ વોરંટ બજાવ્યા છે. ચૂંટણીમાં પોલીસ બંદોબસ્ત સિવાય ચૂંટણીમાં ૫૭ ફ્લાઈંગ સ્ક્વોર્ડ, ૮૬ સ્ટ્રેટેજીકલ ટીમ બનાવવામાં આવી છે.

