Gujarat

સિક્કાની કોલોનીમાંથી 14.09 લાખની ચોરી

જામનગરની ભાગોળે સિકકામાં ટીપીએસ કોલોનીમાં ત્રાટકેલા તસ્કરોએ એક સાથે ત્રણ રહેણાંક મકાનને નિશાન બનાવી પાંચ લાખની રોકડ રકમ ઉપરાંત સોના-ચાંદીના દાગીના સહિત રૂા. 14.09 લાખની માતબર મતા ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે.ઘરધણી સમાજિક પ્રસંગે બહાર ગયા બાદ પાછળથી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લીધા હોવાનુ જાણવા મળ્યુ છે.

પોલીસસુત્રોમાંથીમ ળતી વિગત અનુસાર જામનગર નજીક સિકકા ગામે ટીપીએસ કોલોનીમાં બ્લોક નં. 418,કવાટર્સ નં. 6માં રહેતા અને નોકરી કરતા મુળ જુનાગઢના વડાલ ગામના વતરી અભિષેકભાઇ પરેશભાઇ દવે નામના આસામીના બંધ રહેણાંક મકાનનુ તાળુ તોડી કોઇ શખસો અંદર ધુસ્યા હતા.જે બાદ સોના અને ચાંદીના વિવિધ દાગીનાઓ મળીને કુલ રૂા. 7.04 લાખથી વધુની માલમતા ચોરી કરી લઇ ગયા હતા.ઘરધણી મકાન બંધ કરીને જુનાગઢ વતનમાં ગયા બાદ તસ્કરોએ ઘરને નીશાન બનાવી લીઘાનુ સામે આવ્યુ છે.

ઉપરાંત તેની બાજુમાં રહેતા ચિંતનભાઇ પ્રેમજીભાઇ ગોહિલના રહેણાંક મકાનને પણ નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના દાગીના સહિત રૂા. 2.06 લાખથી વધુની મતા ચોરી કરી લઇ ગયાનુ ખુલ્યુ છે.ઘરધણી બહાર ગામ ગયા બાદ ચોરીના બનાવને અંજામ આપ્યાનુ ખુલ્યુ છે.તદુપરાંત ત્યાં નજીકમાં રહેતા કરશનભાઇ એભાભાઇ મોઢવાડીયાના પણ બંધ મકાનને નિશાન બનાવી અંદરથી રૂા. પાંચ લાખની રોકડ રકમ ચોરી કરી ગયાનુ સામે આવ્યુ છે.

ટીપીએસ કોલોનીમાં જુદા જુદા ત્રણ રહેણાંક મકાનમાંથી પાંચ લાખની રોકડ ઉપરાંત નવ લાખથી વધુની કિંમતના દાગીના સહિત રૂા.14.09 લાખની ચોરી મામલે અભિષેકભાઇ દવેની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી જુદી જુદી ઘરફોડીમાં લાખોનો દલ્લો ઉસેડી જનારા તસ્કરોને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.

પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ મેળવી તસ્કરોના સગડ મેળવવા કવાયત હાથ ધરી છે.એકસાથે ત્રણ ઘરફોડીના બનાવના પગલે સંબંધિત વિસ્તારના રહીશોમાં ચિંતાનુ મોજુ પ્રસર્યુ હતુ. અન્ય ત્રણ રહેણાંકમાં ચોરીનો પ્રયાસ સિકકા ટીપીએસ કોલોનીમાં ઘરધણી બહાર ગામ ગયા બાદ બંધ મકાનના ગત તા.9ના સાંજથી તા.10ના સવાર સુધીના સમયમાં તાળા તોડી તસ્કર લાખોનો માલમતા ચોરી કરી ગયા હતા તદુપરાંત અન્ય બ્લોકના જુદાજુદા ત્રણ મકાનમાં પણ ચોરીનો પ્રયાસ કર્યાનુ ખુલ્યુ હોવાનુ સામે આવ્યુ છે.